'13 લાખ આપો અને સરકારી નોકરી મેળવો...' ગુજરાતના ડૉક્ટરે નકલી કોલ લેટર આપી છેતર્યો
Government job fraud: ગુજરાત સરકારમાં બેરોજગારી અને ભરતી કૌભાંડ હવે નવી ઘટના નથી રહી. યુવાનોને નોકરીના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. હવે ભરતી કૌભાંડમાં પેપર લીક અથવા ડમી ઉમેદવારથી પણ આગળ, સીધા નોકરીના નિમણૂક પત્ર આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. બોટાદના એક ડોક્ટરે આરોગ્ય વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ક્લાર્ક વર્ગ-3ની નોકરીના નકલી નિમણૂક પત્ર આપ્યાનું કૌભાંડ આચર્યું છે.
મળતી માહિતી અનુસાર, છેતરપિંડીનો શિકાર બનેલા એક વ્યક્તિએ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. તેમ છતાં હજી પોલીસ દ્વારા કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. આ મામલે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોળિયા જણાવ્યું કે, 'પોલીસ વિભાગમાં અરજદારે રજૂઆત કરી છે, અરજદારને પૂછપરછ, તેમની પાસેના પુરાવા ચેક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.'
અરજદારે ફરિયાદમાં જણાવ્યું કે, 'કૌભાંડી ડોક્ટર આશિષ રાઠોડ દ્વારા ગુજરાત સરકારના કમિશનર આરોગ્ય તબીબી સેવાઓને તબિયત શિક્ષણ અને સંશોધનોની કચેરી નામે ડેટા એન્ટ્રી ઓપરેટર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીમાં હાજર થવા બાબત ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઓર્ડરમાં ભરતી થનાર ઉમેદવારને ગુજરાત સરકારના સિક્કા,આરોગ્ય વિભાગના એડિશનલ સેક્રેટરીના નામે સહી અને જે જિલ્લામાં ફરજ પર હાજર થવાનું છે તે જિલ્લાના અધિકારીઓને ઉદ્દેશીને નિમણૂક પત્ર બનાવવામાં આવ્યા છે.
આ ષડયંત્રમાં ડૉક્ટર આશિષ રાઠોડ સિવાય, લક્ષ્મીબેન રાઠોડ, પ્રભાબેન રાઠોડ અને કમલ રાઠોડ નામના બીજા ત્રણ વ્યક્તિઓ સામે પણ ફરિયાદમાં કરવામાં આવી છે. અરજદાર પ્રવીણ ચાવડાએ એસ પી બોટાદને ફરિયાદમાં લખ્યું છે કે આરોપી આશિષ રાઠોડે પોતે આરોગ્ય વિભાગના ડી એસ ઑ કર્મકચારી તરીકે ઓળખ આપી હતી અને તમામ કાર્યવાહી મારા હાથમાં જ હોય છે, જેથી ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી તે આપી શકે તેમ જણાવી અલગ અલગ જિલ્લાના પંચાયતના નિમણુંક પત્ર અમને બતાવ્યા હતા અને જાળમાં ફસાવ્યા હતા. અરજદારે લખ્યું છે કે તેમણે કહ્યું હતું કે આ પ્રકારના નિમણુંક ઓર્ડર કઢાવી આપીશ અને તમારે મને 13 લાખ રૂપિયા આપવા પડશે. અરજદારે આરોપીને 13 લાખ રૂપિયા ઓનલાઈન, આંગડિયા ધ્વારા અને રૂબરૂ આપવામાં આવ્યા હતા પંરતુ નોકરીના મળતા આરોપી ડોક્ટરે લક્ષ્મીબેન રાઠોડના નામના 13 લાખ રૂપિયાના ખાનગી બેન્કના ત્રણ ચેક અરજદારને આપ્યા હતા.
ફરિયાદીએ ગુજરાત સમાચારને જણાવ્યું કે, 'આ આરોપી ડૉક્ટર સામે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો આ આરોપી વિદેશ ભાગી જવાની તૈયારી કરી રહ્યો છે અને લોકોના પૈસા લઈને વિદેશ ભાગી જશે.'