ગુજરાત પોલીસનું પાપ: ઈ-ચીટિંગની નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધાં
Fraud in Ahmedabad: આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. નિયમાનુસારની કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે હવે પોલીસ પૈસા પડાવવા માટે ગુનાખોરીનું પાપ આચરી રહી હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં ઈ-ચીટિંગની નકલી અરજી કરાવીને એક બેન્ક ખાતામાં બે કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આનવ્યા હતા. અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના ત્રણથી ચાર પોલીસ કર્મચારી અને બહારના મળતિયા સામે આંતરિક તપાસ શરૂ થયાની ચર્ચા પોલીસ તંત્રમાં છે.
અમદાવાદ પોલીસનો ‘વાડ જ ચીભડાં ગળે' તેવો કિસ્સો
મળતી માહિતી અનુસાર, શહેરના પશ્ચિમ વિસ્તારના એક વેપારીના બે કરોડ રૂપિયા જેમાં હતાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. વેપારીના નજીકના જ વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી અને બેન્ક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે 10 ટકા એટલે કે 20 લાખ રૂપિયા જેવો ખર્ચ થશે તેવી જાણકારી અપાઈ હતી. થોડો સમય તો ગભરાટ અનુભવતાં વેપારીએ ખાતામાં પડેલાં બે કરોડ રૂપિયા ધંધાના અને કાયદેસર છે તો ખાતું ફ્રીઝ કઈ રીતે થાય? આ અંગે કાયદાકીય જાણકારી મેળવી હતી.
કંઈક ખોટું થઈ રહ્યાનું જણાતાં આ વેપારીએ અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.
તપાસ દરમિયાન એવી વિગતો ખુલી કે, કોઈ વ્યક્તિએ રોકાણ કરવા અંગેની ઓનલાઈન લિંક મળતાં 2,999 રૂપિયા જમા કરાવ્યાં હતાં. આ રીતે પોતાની સાથે ઈ-ચીટિંગ થઈ ગયું હોવાની અરજી પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. વેપારીએ પોત આવી કોઈ છેતરપિંડી કરતાં નથી અને આવી કોઈ રકમ મેળવી નથી તેની વિગતો આપી હતી. તપાસમાં જણાયું હતું કે, વેપારીના નજીકના વ્યક્તિ સાથે ભળેલ એક પોલીસ કર્મચારીએ પોતાના મળતિયા મારફતે 2,999 રૂપિયા જમા કરાવાતાં ઈ-ચીટિંગ થયાની નકલી અરજી કરી તેમાં વેપારીનો બેન્ક એકાઉન્ટ નંબર આપી દીધો હતો. 2,999 રૂપિયાના ચીટિંગની અરજી મળી તેની તપાસ કર્યા વગર જ જેમાં બે કરોડ રૂપિયા હતાં તેવું વેપારીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ, 300થી વધુ સ્થળે ઈમરજન્સી કોલ બોક્ષ મૂકાયા
ફરિયાદના પગલે પ્રાથમિક તપાસમાં વેપારી સાથે કંઈક ખોટું થયાનું જણાતાં તેમના એકાઉન્ટમાં રહેલાં બે કરોડ અનફ્રીઝ કરી દેવાયાં હતાં. પરંતુ ઈ-ચીટિંગની નકલી અરજી કરાવી ખાતું ફ્રીઝ કરાવવા મુદ્દે પશ્ચિમ વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સામે આંતરિક તપાસનો ધમધમાટ પોલીસ કમિશનર કચેરીએથી શરૂ થયાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આ કિસ્સામાં અમદાવાદ પોલીસના અમુક કર્મચારીની 'વાડ જ ચિભડાં ગળે' જેવી ભૂમિકા હતી કે કેમ તે તો તપાસના અંતે જ સ્પષ્ટ થશે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ડીજીપી કચેરીમાં સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ માટે કામગીરી કરતાં એક કર્મચારી સામે આવી ગેરકાયદે પ્રવૃત્તિમાં ભૂમિકા જણાતાં ફરિયાદ નોંધી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
એકાઉન્ટ ફ્રીઝ ન કરવા CM, ગૃહમંત્રી, DGPના આદેશનો પોલીસ જ અમલ કરતી નથી
સટ્ટા કે અન્ય કોઈ રીતે નાણાંની ગેરકાયદે હેરાફેરી થતી હોય તેવા કિસ્સામાં પોલીસ દ્વારા બેન્ક ખાતાંઓ ફ્રીઝ કરવાની કાર્યવાહી બેન્કો સાથે મળીને કરે છે. બેન્ક ખાતાં ફ્રીઝ કરવામાં કથિત ગેરકાયદે હેરાફેરી સિવાયના નાણાંની મોટી રકમ ફ્રીઝ થઈ જતી હોવાથી આક્રોશની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રીની તાકિદ પછી રાજ્યના ડીજીપીએ આદેશ કરીને લિયન એમાઉન્ટ એટલે કે ગુનાના કામે સ્થગિત કરવા યોગ્ય રકમ જ ફ્રીઝ કરવા પરિપત્ર જારી કર્યો હતો.
બેન્ક એકાઉન્ટસના ત્રણ તબક્કા પાડી કઈ રીતે રોકડ ફ્રીઝ કરવી તેની સમજ પણ આ પરિપત્રમાં અપાઈ હતી. પરંતુ રાજ્યના પોલીસ વડાના આ આદેશનું પાલન થતું નથી. મસમોટું કૌભાંડ હોવાનું જાહેર કરાયાં બાદ કાગળ ઉપર તે પ્રસ્થાપિત કરવાની લ્હાયમાં લિયન એમાઉન્ટ જ ફ્રીઝ કરવાના આદેશનું પાલન કરવામાં આવતું નહીં હોવાનો મુદ્દો પોલીસ તંત્રમાં જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.