અમદાવાદમાં સોસાયટીના ગેટ પાસે રમી રહેલા 4 વર્ષના બાળકને કાર ચાલકે કચડ્યું

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સોસાયટીના ગેટ પાસે રમી રહેલા 4 વર્ષના બાળકને કાર ચાલકે કચડ્યું 1 - image


Car Accident in Bopal : વાહનચાલકોને બેદરકારીને કારણે સોસાયટીમાં નાના બાળકો સાથે જીવલેણ અકસ્માત થવાના અનેક કિસ્સા સામે છે. ત્યારે શેલામાં આવેલી વ્રજ ગાર્ડન સોસાયટીના મુખ્યગેટ પાસે એક કારના ચાલકે બેદરકારી પૂર્વક કારને ચલાવતા રમી રહેલા ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આ અંગે  બોપલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

બોપલ પોલીસે કારચાલક આકાશ કેડીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી 

મૂળ મઘ્યપ્રદેશના જાંબુઆના કરદાવટ ગામમાં રહેતા 50  વર્ષીય પપ્પુભાઇ બામણીયા તેમના પત્ની , પુત્ર  રાજેશ , પૌત્રવઘુ અને ચાર વર્ષના પૌત્ર વિકાસ સાથે બોપલમાં રહીને કન્સ્ટ્રક્શન સાઇટ પર  કામ કરે છે. છેલ્લાં ઘણા સમયથી તે શેલામાં આવેલી વ્રજધામ સોસાયટીમાં મકાનના રિનોવેશનના કામ માટે આવ્યા છે. તેમની સાથે તેમના પરિવારજનો પણ કામમાં મદદ કરતા હોય છે. ગુરૂવારે સવારે નવેક વાગ્યાના સુમારે  પપ્પુભાઇ અને તેમના પરિવારના સભ્યો કામ કરી રહ્યા હતા. 

જ્યારે વિકાસ ગેટ પાસે રમતો હતો ત્યારે  એક કારના ચાલકે કારને પુરઝડપે હંકારીને અચાનક યુ ટર્ન લીધો હતો. જેમાં વિકાસને ટક્કર લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે આકાશ કેડીયા નામના કાર ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News