અમદાવાદમ્યુનિ.ની એક મેડીકલ કોલેજના જુનિયર તબીબો સાથે રેગીંગ,ચાર ડોકટર સસ્પેન્ડ કરાયા

માસ્ટર ઓફ સર્જરી વિભાગના ચાર જુનિયર તબીબ સાથે અભદ્ર વ્યવહાર કરાયો

જુનિયર તબીબોને સાત દિવસ સુધી નહિં નાહવા દેવા ઉપરાંત એક પ્રિસ્ક્રીપ્શન સાતસો વખત લખવા ફરજ પાડવામાં પણ આવતી હતી

Updated: May 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદમ્યુનિ.ની એક  મેડીકલ કોલેજના જુનિયર તબીબો સાથે રેગીંગ,ચાર ડોકટર સસ્પેન્ડ કરાયા 1 - image


અમદાવાદ,શુક્રવાર,24 મે,2024

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી મ્યુનિ.સંલગ્ન એક મેડીકલ કોલેજમાં તબીબી જગતને શર્મનાક કરતી ઘટના સામે આવી છે.માસ્ટર ઓફ સર્જરી વિભાગમાં અભ્યાસ કરતા ચાર રેસીડેન્ટ ડોકટરો સાથે ચાર સિનિયર ડોકટરોએ અભદ્ર વ્યવહાર કરવાની સાથે રેગીંગ કરતા મેડીકલ કોલેજ કાઉન્સીલ દ્વારા ચાર સિનિયર ડોકટરને રેગીંગના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા તબીબોમાં બે મહિલા તબીબ છે. એક તબીબને બે વર્ષ માટે, એક મહિલા તબીબને એક વર્ષ માટે જયારે અન્ય બે તબીબને ૨૫-૨૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કોલેજના સિનિયર તબીબો જુનિયર તબીબો તેમનુ કહયુ ના કરે તો સાત દિવસ સુધી નાહવા નહિં દેવાની સજા કરતા ઉપરાંત તને આવડતુ નથી એમ કહી એક પ્રિસ્ક્રીપ્શન સાતસો વખત લખવાની પણ ફરજ પાડવામા આવતી હતી. જમવાનુ પણ આપવામા નહિં આવતુ હોવાની ફરિયાદ કોલેજ કાઉન્સિલ સમક્ષ કરવામાં આવી હતી.જુનિયર તબીબોએ કોલેજ કાઉન્સિલ સમક્ષ વોટસએપ ચેટ તેમજ રેકોર્ડીંગ સહિતના અન્ય પુરાવા રજૂ કર્યા બાદ સિનિયર તબીબોના સસ્પેશનનો નિર્ણય કરાયો હતો.

મણિનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ આવેલી છે. મેડીકલ કોલેજમાં ચાર જુનિયર ડોકટરો માસ્ટર ઓફ સર્જરીનો અભ્યાસ કરવાની સાથે રેસીડન્ટ ડોકટર તરીકે ફરજ પણ બજાવી રહયા છે. કોલેજમાં સિનીયર તબીબો દ્વારા ચાર જુનિયર તબીબોને અનેક પ્રકારે ત્રાસ આપી તેમનું રેગીંગ કરવામા આવતુ હતુ. આ અંગે કંટાળીને તેમણે તેમના વાલીઓનો સંપર્ક કરી તમામ હકીકતની જાણ કરતા ૧૬ મેના રોજ જુનિયર તબીબોના વાલીઓ દ્વારા સર્જરી વિભાગનોહેડ ડોકટર આશિત પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ સમયે ડોકટરે આ રજૂઆતને ગંભીરતાથી લીધી નહોતી. ૧૯ મેના રોજ જુનિયર તબીબોના વાલીઓએ ફરી એક વખત ડોકટરને ઈ-મેઈલ કરી તેમના સંતાનો સાથે સિનિયર તબીબોદ્વારા રેગીંગ કરાતુ હોવાની જાણ કરી હતી. ઉપરાંત ડોકટરને વાલીઓ તરફથી ફોન કરવામા આવતા હતા તેમ છતાં વાલીઓના ફોન ડોકટર ઉપાડતા નહીં હોવાનો પણ  રેગીંગનો ભોગ બનેલા વાલીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સર્જરી વિભાગના હેડ ડોકટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામા નહિં આવતા અંતે આ તબીબોના વાલીઓએ એલ.જી.હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર લીના બહેન ડાભી ઉપરાંત  મેડીકલ કોલેજના ડીન ડોકટર દિપ્તીબહેન શાહ સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી હતી.મેડીકલ કોલેજના ડીન ડોકટર દિપ્તીબહેન શાહે સમગ્ર મામલે કહ્યુ, બે દિવસ અગાઉ મારીસમક્ષ રજૂઆત કરવામા આવતા કોલેજ કાઉન્સિલની બેઠક બોલાવવામા આવી હતી.જેમાં તમામ વિભાગના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટને પણ હાજર રાખવામા આવ્યા હતા. ફરિયાદી પક્ષ તરફથી કરવામા આવેલી રજૂઆત તથા પુરાવાને ધ્યાનમા લઈ ચાર સિનિયર તબીબોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કયા સિનીયર તબીબને કેટલા સમય માટે સસ્પેન્ડ કરાયા?

ડોકટર                 સસ્પેન્શનનો સમય

ડોકટર વ્રજ વાઘાણી            બે વર્ષ

ડોકટર શિવાની પટેલ           એક વર્ષ

ડોકટર કરણકુમાર પારેજીયા    ૨૫ દિવસ

ડોકટર અનેરી નાયક           ૨૫ દિવસ

સેકસયુઅલ હેરેસમેન્ટ થયુ છે કે કેમ? એ મામલે ડેપ્યુટી મ્યુ.કમિશનરે બોલવાનુ ટાળ્યું

મેડીકલ કોલેજમાં ચાર જુનિયર તબીબનું ચાર સિનિયર તબીબ દ્વારા રેગીંગ કરવામાં આવ્યાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા રમેશ મેરજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રેગીંગ સમયે ચાર મેડીકલ સ્ટુડન્ટસ સાથે સેકસયુઅલ હેરેસમેન્ટ કરવામા આવ્યુ હોવા અંગે કોઈ રજૂઆત ફરિયાદ પક્ષ તરફથી મળી હતી કે કેમ? એ અંગે પુછતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે, મારી પાસે ચાર સિનિયર તબીબને સસ્પેન્ડ કરવામા આવ્યા છે એટલી વિગત છે.બાકી માહિતી તમે મેડીકલ કોલેજના ડીનને પુછો એમ કહી જવાબ આપવાનુ ટાળી દીધુ હતુ.

સિનિયર મહિલા તબીબોએ જુનિયર તબીબો સાથે અભદ્ર વર્તન કર્યુ હોવાની રજૂઆત

સિનિયર તબીબોના રેગીંગનો ભોગ બનેલા જુનિયર તબીબો તરફથી કોલેજ કાઉન્સિલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં પુરુષ તબીબની સાથે સિનિયર મહિલા તબીબોએ પણ જુનિયર તબીબો સાથે અભદ્ર વર્તન કર્યુ હોવાની ફરિયાદ કરાઈ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

 


Google NewsGoogle News