ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓને પકડવામાં કાચુ કાપ્યું, RJDના પ્રદેશ પ્રમુખના ઘટસ્ફોટ બાદ બિહારના 4 લોકોને છોડ્યા
Ahmedabad News : ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને લગભગ એક હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે અમુક બિહારી લોકોને બાંગ્લાદેશી સમજીને પકડી પાડ્યા હતા. સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરીને ડોક્યુમેન્ટ રજૂ કરવાની સાથે માહિતી આપી હતી. આ પછી પોલીસે તાત્કાલિક બિહારના એ ચાર યુવકોના ડોક્યુમેન્ટ મંગાવીને તપાસ કર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
RJDના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે પોસ્ટમાં શું જણાવ્યું?
ગુજરાત પોલીસે અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તેમના દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે, અમદાવાદ પોલીસની કાર્યવાહી દરમિયાન બિહારના ચાર યુવાનોને બાંગ્લાદેશી સમજીને ઝડપી લેવાયા હતા. આ મામલે RJDના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ રિતુ જયસ્વાલે બિહારની કચેરીના સરપંચના પત્ર સાથેની એક પોસ્ટ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર મુકી હતી અને જણાવ્યું હતું કે, 'બાંગ્લાદેશી સમજીને પકડવામાં આવેલા ચાર યુવકો બિહારના બાયા ગામના વતની છે, ચારેય યુવક પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરાત ગયા હતા. તેમને બાંગ્લાદેશી કહીને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.' રિતુ જયસ્વાલે બિહારના ચાર યુવકોના નામ, આધાર કાર્ડ નંબર સહિતની જાણકારી આપી હતી.
રિતુ જયસ્વાલે વધુમાં લખ્યું હતું કે 'આ મામલે બિહાર સરકારને આગ્રહ કરુ છું કે, તાત્કાલિક ગુજરાત સરકાર સાથે સંપર્ક સ્થાપિત કરીને બિહારના કોઈપણ નિર્દોષ યુવકોને પરેશાન ન કરવામાં આવે. આ યુવકોનો ગુનો માત્ર એટલો છે કે તેઓ પછાત વિસ્તારના રહેવાસી છે, જ્યાં આઝાદીના 77 વર્ષ બાદ પણ રોજગારી મેળવવાનો અવસર નથી. એટલા માટે તેમને પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા માટે બિહારમાંથી બહાર જવા મજબૂર થવું પડે છે.'
આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાયા 10 બાંગ્લાદેશી, ગુજરાતમાં અત્યાર સુધી 1000થી વધુ શંકાસ્પદની અટકાયત
રિતુ જયસ્વાલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં બિહારના એ ચાર યુવકોના નામ પણ આપ્યા હતા, જેમાં મોહમ્મદ રબાની, મોહમ્મદ નેક, મોહમ્મદ મુબારક અને મોહમ્મદ આઝમ નામનો ઉલ્લેખ છે. આ તમામ યુવાનોને અમદાવાદથી પકડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર મામલે ગુજરાત પોલીસે બિહારના ચારેય યુવકોના ડોક્યુમેન્ટ ચકાસીને છોડી દેવામાં આવ્યા હતા.