Get The App

બોપલના જ્વેલર્સમાં લાખોના ઘરેણાં લૂંટીને આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા, ચારેયની ધરપકડ

Updated: Jan 16th, 2025

GS TEAM


Google News
Google News
બોપલના જ્વેલર્સમાં લાખોના ઘરેણાં લૂંટીને આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા, ચારેયની ધરપકડ 1 - image


Bopal Robbery Case : રાજ્યમાં ચોરી, લૂંટ, મારામારીની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે  અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 2 જાન્યુઆરીએ કનકપુરા જ્વેલર્સમાં ધોળા દિવસે બંદૂકની અણીએ ચાર શખ્સો 73 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે દુકાનદારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્વેલર્સમાં લૂંટ કરવાના મામલે ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ છતાં 73 લાખ કિંમતના દાગીના ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.

બોપલમાં લૂંટ કરનારા ઉત્તર પ્રદેશના ચાર આરોપીની ધરપકડ

બોપલ વિસ્તારમાં આવેલી કનકપુરા જ્વેલર્સની દુકાનમાં 2 જાન્યુઆરીએ હેલ્મેટ અને રૂમાલ દ્વારા પોતાની ઓળખ છુપાવીને ચાર અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા. ત્યારબાદ બંદૂક બતાવીને દુકાનના કર્મચારીઓને બંધક બનાવીને ફરિયાદી ભરતભાઈ રામજીભાઈ સોનીના હાથ-પગ બાંધી દીધાને સોના, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી લીધી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે વિસ્તારમાં 300 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવાની સાથે સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરી હતી. જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, લૂંટ બાદ આરોપીઓ ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. જેને લઈને પોલીસે એક ટ્રેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આરોપી ગાઝિયાબાદ, હાપુર, ફરુખાબાદ, અલીગઢ અને નોઈડામાં છુપાયેલા હોવાની પોલીસને જાણકારી મળી હતી. પોલીસે ટીમો બનાવીને ચારેયની ધરપકડ કરી લીધી. 

બોપલના જ્વેલર્સમાં લાખોના ઘરેણાં લૂંટીને આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા, ચારેયની ધરપકડ 2 - image

મુખ્ય સૂત્રધાર અમદાવાદના વિસ્તારનો જાણકાર

સમગ્ર ઘટનામાં એરટેલ ટાવર સાથે કામ કરીને અમદાવાદના ભૂગોળની જાણકારી ધરાવતા માસ્ટરમાઇન્ડ બિરેન્દ્રકુમાર ચંદ્રપાલ ખટીકે આ લૂંટની યોજના બનાવી હતી. આ લૂંટમાં જાવેદ ઉર્ફે પત્રી સલીમ અહેમદ ખાંડે સહિત બોપલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા અમરસિંહ માધવસિંહ પ્રતાપસિંહ અને જોતસિંહ મેવારામ મોતીલાલે બિરેન્દ્રકુમારનો સહયોગ કર્યો હતો. આરોપીઓ મુળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. જાવેદ ઉર્ફે પત્રીનો ઉત્તર પ્રદેશમાં લૂંટના કેસોનો ઈતિહાસ રહેલો છે. જેમાં ધોલા અને બુલંદશહેરમાં ઘટનાઓ નોંધાઈ છે. તેવી જ રીતે બિરેન્દ્રકુમાર 2007માં કબીરનગરમાં થયેલી લૂંટમાં જોડાયેલો હતો. 

આ પણ વાંચો: સુરતમાં નિર્દય પુત્રવધુએ 80 વર્ષના સાસુને ઢોર માર માર્યો, પાડોશીએ બનાવ્યો વીડિયો

પોલીસે ખુલાસો કર્યો છે કે, લૂંટ દરમિયાન ત્રણ દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક પિસ્તોલ મળી આવી છે, જ્યારે બે હજુ પણ ગુમ છે. ધરપકડ છતાં 73 લાખ કિંમતના દાગીના ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસ અધિકારીએ શું કહ્યું?

સુપરિન્ટેન્ડેન્ટ ઓમ પ્રકાશ જાટે જણાવ્યું, 'પૂછપરછ દરમિયાન અમને જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશના એક ઝવેરીને ચોરાયેલી કેટલીક વસ્તુઓ આપવામાં આવી હતી. વધુ તપાસ દરમિયાન બાકીની કિંમતી વસ્તુઓ શોધી કાઢવામાં આવશે. અમે શંકાસ્પદોના 13 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને અમને વિશ્વાસ છે કે કિંમતી વસ્તુઓ રિકવર કરવામાં આવશે. અમને શંકા છે કે આ ગેંગમાં ચારથી વધુ વ્યક્તિઓ હશે. આ લૂંટારુઓએ બોપલ અને સરખેજ વિસ્તારમાં પાંચ જ્વેલરી શોપ્સને શોર્ટલિસ્ટ કરી હતી. આરોપીઓએ ઓછામાં ઓછા 15 દિવસ સુધી દુકાનના માલિક અને સ્ટાફની ગતિવિધિઓનું અવલોકન અને વિશ્લેષણ કર્યું અને મોંકો મેળવીને અંતે લૂંટ કરી હતી.

આ પણ વાંચો: VIDEO: સૈફ અલી પર હુમલો કરનારો શંકાસ્પદ આરોપી CCTV ફૂટેજમાં થયો કેદ, ડંપ ડેટાના આધારે થઈ ઓળખ

બોપલના જ્વેલર્સમાં લાખોના ઘરેણાં લૂંટીને આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા, ચારેયની ધરપકડ 3 - image

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 જાન્યુઆરીના રોજ બપોરે 3:30 વાગ્યે ચાર લૂંટારુ હેલ્મેટ, મો પર નકાબ બાંધી કનકપુરા જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા હતા અને બંદૂકની અણીએ રૂ.73 લાખના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં હેલ્મેટ પહેરીને દુકાનમાં આવેલા શખ્સનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.

Tags :