રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી હસમુખ પટેલનું અમદાવાદમાં નિધન, દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
હસમુખભાઈના પરિવારે તેમની ઈચ્છા મુજબ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું દેહદાન કર્યું
અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી હસમુખભાઈ પટેલનું શુક્રવારે બપોરે નિધન થયુ છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિત ચાવડાએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી સદગતનુ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. એક વિચારક, શિક્ષણવિદ અને વ્યવસાયે પ્રાધ્યાપકની લાંબી કારકિર્દી મેળવી ચૂકેલા હસમુખ પટેલ છેલ્લા થોડા સમયથી તે ફેક્સા અને હાર્ટની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને તેની સારવાર પણ લઈ રહ્યા હતા.
84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા
હસમુખભાઈ પટેલ સાતમી ગુજરાત વિધાનસભામાં સંસદીય કોંગ્રેસ પક્ષના દંડક હતા. આ સિવાય તે ગુજરાત સરકારમાં રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. જુદા-જુદા અનેક મેગેઝિનોમાં અર્થશાસ્ત્ર, રાજકારણ, શિક્ષણ અને પક્ષની નીતિઓ તથા કાર્યક્રમો પર પણ અસંખ્ય લેખો લખી ચૂક્યા છે. તેમના શિક્ષણ ક્ષેત્રે અથાગ પ્રયત્નો અને નિષ્ઠાપૂર્વક કામગીરીના કારણે ગુજરાતનાં તમામ નાગરિકોની સ્મૃતિમાં આજીવન તેની યાદગીરી જળવાઈ રહેશે.
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું દેહદાન કર્યું
પૂર્વ શિક્ષણમંત્રીના નિધનના સમાચાર સાંભળીને હાલ ગુજરાત કોંગ્રેસ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 84 વર્ષની ઉંમરે તેઓએ પોતાના ઘરે દેહત્યાગ કર્યો. નિધનના સમાચાર મળતા જ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હસમુખભાઈના પરિવારે તેમની ઈચ્છા મુજબ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું દેહદાન કર્યું.