અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટનો ચુકાદોઃ વેલસ્પન કંપનીને ફાયદો કરાવવાના કેસમાં પ્રદીપ શર્માને 5 વર્ષની જેલ
Gujarat News: કચ્છ કલેકટરના કાર્યકાળ દરમિયાન પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા દ્વારા વેલસ્પન કંપનીને આર્થિક ફાયદો કરાવવાના અને ખોટી રીતે જમીન ફાળવી સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડવા સહિતના ત્રણ અલગ-અલગ કેસોમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતેની પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ કે.એમ.સોજીત્રા દ્વારા આજે ચુકાદો અપાયો. તે અંતર્ગત વેલસ્પન કંપનીને જમીન ફાળવણી પ્રકરણ અને મોબાઈલ ફોનના ઉપયોગનું બિલ કંપની દ્વારા ભરવા અંગેના કેસમાં કોર્ટે પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માને નિર્દોષ ઠરાવ્યા હતા. જો કે, પ્રદીપ શર્માની પત્ની જે વેલ્યુ પેકેજિંગ કંપનીમાં ભાગીદાર હતી, તેમના ખાતામાં 9 લાખ રૂપિયા ટ્રાન્સફર થવાના ભ્રષ્ટાચારના કેસમાં શર્માને કોર્ટે દોષિત ઠરાવ્યા હતા અને પાંચ વર્ષની સજા કરી હતી.
પ્રદીપ શર્માના વકીલની દલીલ
વેલસ્પન કંપનીને જમીન ફાળવણી પ્રકરણના કેસમાં આરોપી સનદી અધિકારી પ્રદીપ શર્મા તરફથી દલીલો કરતાં સિનિયર એડવોકેટ આર. જે. ગોસ્વામીએ અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસમાં સરકાર દ્વારા ફરિયાદ જ સાત વર્ષોના વિલંબ બાદ કરાઈ છે. જમીન ફાળવણી વર્ષ 2005માં થઈ હતી અને ફરિયાદ 2012માં કરાઈ છે. વળી, કલેકટર તરીકે જમીન ફાળવણીનો નિર્ણય તેમના એકલાનો ન હતો. તેમણે આ દરખાસ્ત સંબંધિત કમિટી સહિતના તમામ તબક્કે મૂકી, તેઓના અભિપ્રાય બાદ અને તમામ પ્રક્રિયાઓ અનુસર્યા બાદ ફાળવી હતી.
એટલું જ નહીં, સરકાર જે નુકસાનીનો દાવો કરે છે તે નુકસાનીની રકમ તો સરકારે વેલસ્પન કંપની પાસેથી બાદમાં વસૂલી કાઢી છે. એટલે કે, પ્રદીપ શર્માએ જે ટાઉન પ્લાન જમીનની કિંમત માટે રાખ્યો હતો, તેણે નક્કી કરેલી રકમ બદલીને સરકારે તેમના અધિકારીઓ મૂકી તે પ્રમાણે વેલ્યુએશન કરી નુકસાનીની રકમ કંપની પાસેથી વસૂલી લીધી છે. પ્રદીપ શર્માએ આ આખાય કેસમાં એક પણ રૂપિયાનો લાભ મેળવ્યો નથી કે સમગ્ર કેસમાં કંઈ ખોટુ કર્યાના પુરાવા રેકર્ડ પર આવતા નથી.
જયારે મોબાઈલ ફોન અને તેના બિલો કંપની દ્વારા ભરવા અંગેના કેસમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ અદાલતનું ઘ્યાન દોર્યું હતું કે, પ્રદીપ શર્મા વિરૂદ્ધ જે સીમ કાર્ડ અને મોબાઈલ બિલનો જે કેસ કરાયો છે તે પણ બિલકુલ ખોટો અને પુરાવા વિનાનો છે. કારણ કે, બંને સીમ કાર્ડ વેલસ્પન કંપનીના નામના જ હતા. પોલીસે સમગ્ર કેસમાં સીમ કાર્ડ કે મોબાઈલ પણ જપ્ત કર્યા ન હતા. આમ, અરજદાર વિરૂદ્ધ મોબાઈલ ફોનના કિસ્સામાં પણ કોઈ કેસ પુરવાર જ થતો નથી. સેશન્સ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી પ્રદીપ શર્માને જમીન ફાળવણી અને મોબાઈલ ફોન પ્રકરણના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃ 11 મહિનામાં ત્રણ ગણા કરવાના નામે છેતરપિંડી કરનાર માકૅ વર્લ્ડ કંપનીના બે ઠગ એજન્ટ પકડાયા
ભુજ એસીબીએ નોંધ્યો ગુનો
આ દરમિયાન વેલ્યુ પેકેજિંગ કંપનીના ભ્રષ્ટાચાર કેસમાં સરકારપક્ષ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર આર.સી.કોડકરે જણાવ્યું હતું કે, પ્રદીપ શર્માની પત્ની શ્યામલ શર્માને 30 ટકા ભાગીદાર બનાવાઈ હતી, જેમાં દિપકા પનીરવેલ 50 ટકા ભાગીદાર હતી અને અન્ય સુનીલ મિલાપની 20 ટકા ભાગીદારી હતી. આ કેસમાં વેલ્યુ પેકેજિંગ કંપનીને જમીન એનએ કરી આપવામાં તરફેણ કરી હતી. ઉપરાંત, વેલ્યુ પેકેજિંગના ટ્રાન્ઝેકશનમાં 25 લાખ રૂપિયા શ્યામલ શર્માના ખાતામાં આવ્યા હતા અને તેમાંથી 9 લાખ રૂપિયા સીધા પ્રદીપ શર્માના ખાતામાં ટ્રાન્સફર થતાં ભુજ એસીબીએ પ્રિવેન્શન ઓફ કરપ્શનનો કેસ નોંઘ્યો હતો.