Get The App

પૂર્વ IAS કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
પૂર્વ IAS કુલીનચંદ્ર યાજ્ઞિકનું  97 વર્ષની વયે નિધન, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતા 1 - image


IAS Kulinchandra Yagnik: ગુજરાતના સમાજજીવન અને વહીવટી તંત્ર પર પોતાની અસીમ છાપ, પ્રભાવ સર્જનારા બે પૂર્વ IAS એસ. કે. નંદા અને કુલીનચંદ્ર યાજ્ઞિક હવે આપણી વચ્ચે રહ્યા નથી. ડાંગી બોલી, વસ્તી, આયુ વિજ્ઞાન માટે આખું જીવન સમર્પિત કરી દેનારા એસ. કે. નંદાનું અમેરિકા ખાતે અવસાન થયું છે. તો બીજી તરફ આપણા પૈકીના ઘણાંના સ્નાતક પ્રમાણપત્ર ઉપર જેમની સહી છે તેવા કુલીનચંદ્ર યાજ્ઞિકે 97 વર્ષે નડિયાદ ખાતે દેહ છોડ્યો છે.

કુલીનચંદ્ર યાજ્ઞિક સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. કલેક્ટર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ સિવાય સંસ્કૃત ભાષાના વિદ્વાન હોવું એ એમની વિશેષતા હતી. ગુજરાત સમાચાર અને અખંડ આનંદમાં સંસ્કૃત શ્લોક અર્થ સાથે લખતા હતા. વહીવટની વાતો અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના વિશે લખેલાં તેમના પુસ્તકો વાંચવા જેવાં છે.

પાટણમાં યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી ભોજન નહી ખાવાની ટેક લીધી હતી

કુલીનચંદ્ર યાજ્ઞિક 1985માં રાજ્યના ચીફ એજ્યુકેશન સેક્રેટરી તરીકે કાર્યરત હતા. ત્યારે તત્કાલીન સરકારે તેમને ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી ઊભી કરવાની કામગીરી સોંપી હતી. જે સંપૂર્ણ થતાં 1986થી 1992 સુધીની બે ટર્મ દરમ્યાન કુલીનચંદ્ર યાજ્ઞિકે તેના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકેની ફરજ બજાવી હતી. કુલીનચંદ્ર યાજ્ઞિકે પાટણમાં આ યુનિવર્સિટી ઊભી કરવા માટે જમીન સંપાદનથી માંડીને ડિપાર્ટમેન્ટો ઊભા કરવા, યુનિવર્સિટીના મુખપત્ર અને પ્રતિક ચિહ્નો બનાવવા તથા ઉચ્ચ શિક્ષણમાં મોંઘેરી લોકચાહના મેળવવા જેવા અનેક યાદગાર કાર્યો કર્યા છે. જ્યાં સુધી પાટણમાં યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી લાંબો સમય રાંધેલું ભોજન નહીં ખાવાની બાધા પણ તેમણે લીધી હતી. 

1951થી સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. ત્યારબાદ 1973થી આઇએએસ કક્ષામાં નિયુક્ત થયા હતા અને રાજ્ય ગવર્નરના સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, ઉદ્યોગ વિભાગના સેક્રેટરી તથા શિક્ષણ સેક્રેટરી તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી ચૂક્યા છે. વળી ગુજરાતમાં ડાંગ, ભરુચ અને વડોદરા જિલ્લામાં સફળ કલેક્ટર પણ રહી ચૂક્યા છે.

છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્કૃત સુભાષિતો અને સંસ્કૃત શ્લોકોના લેખન કાર્યમાં સક્રિય હતા. વહીવટની વાતો તથા સુભાષિત સાર નામના તેમના પુસ્તકો ખૂબ લોકપ્રિય થયા છે. આજે 97 વર્ષની ઉંમરે પણ તેઓ નિયમિત લેખનકાર્ય સાથે જોડાયેલા હતા. 



Google NewsGoogle News