પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું
- જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે
- જય નારાયણ વ્યાસે 32 વર્ષ ભાજપમાં સેવા આપ્યા બાદ રાજીનામું આપ્યું
અમદાવાદ, તા. 05 નવેમ્બર 2022, શનિવાર
વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકીય ગતિવધિઓ થઈ રહી છે એક બાજુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક જ આપ પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે તો બીજી તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામુ ધરી દીધું છે. જય નારાયણ વ્યાસે 32 વર્ષ ભાજપમાં સેવા આપ્યા બાદ હવે રાજીનામું આપી દીધું છે.
જય નારાયણ વ્યાસે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા હવે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમણે થોડા દિવસ અગાઉ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, તેઓ ભાજપ છોડી શકે છે.
ભાજપને રામ રામ કહેનારા જયનારાયણ વ્યાસે એક નિવેદન આપ્યું છે તેમણે ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, પાટણ જિલ્લા ભાજપથી કંટાળી રાજીનામું આપ્યુ છે. મારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બે માર્ગ ખુલ્લા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું કેજરીવાલને મળું એટલે આપમાં જઈશ તેમાં તથ્ય નથી. ભાજપ સાથે મને કોઈ સંઘર્ષ નથી. પરંતુ હા હું અપક્ષ તરીકે ચૂંટણી નહી લડું. હાલ કંઈ પાર્ટીમાં જઈશ તે પણ નક્કી કર્યું નથી. કાર્યકરો જે નક્કી કરશે તે પાર્ટીમાંથી લડીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ. જયનારાયણ વ્યાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું ચુંટણી લડીશ. સિધ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. દરેક પાર્ટીના નેતાઓ મારે ત્યાં આવે છે. કોંગ્રેસ અને આપ બન્ને પાર્ટીઓમાં જવાના રસ્તા મારા માટે ખુલ્લા છે.