ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા આર્થિક ગેરરીતિ મુદ્દે સસ્પેન્ડ
Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત એવા એનિમેશન વિભાગના વડા અને અધ્યાપક સામે તપાસ શરૂ કરાયા બાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તેઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે પોલિટિકલ સાયન્સના વડા મુકેશ ખટિકના ટર્મિનેશનની મંજૂરી આપી દેવામાં આવી છે. અન્ય અધ્યાપક સામેના કેસમાં પણ ભ્રષ્ટાચારની ચાર્જશીટ કરાઈ છે, જેને મંજૂરી અપાઈ હતી.
એનિમેશન વિભાગના પૂર્વને સસ્પેન્ડ કર્યા
ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં એનિમેશન વિભાગના પૂર્વ વડા કમલજિત લખતરિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. અગાઉના કુલપતિ દ્વારા નિમાયેલા આ અધ્યાપકને નવા કુલપતિ આવતા એનિમેશનના વડાથી માંડી ટ્રીપલ સી કો-ઓર્ડિનેટર પદેથી દૂર કરાયા હતા.
પ્રાથમિક તપાસમાં મળી નાણાકીય ગેરરીતિ
ગત ઓગસ્ટથી તેઓ એનિમેશનના વડા નથી અને તેઓ પાસે એનિમેશન વિભાગના તમામ નાણાકીય હિસાબો-ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ મંગાયા હતા પરંતુ તેઓએ રજૂ કર્યા ન હતા. આ દરમિયાન સીએ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં પ્રાથમિક તપાસમાં નાણાકીય ગેરરીતિ હોવાનું ધ્યાને આવ્યું હતુ.
જ્યુડિશિયલ ઈન્કવાયરીમાં 70 લાખનો ભાંડાફોડ
ત્યારબાદ ગત ઈસી બેઠકમાં તેઓ સામે જ્યુડિશિયલ ઈન્કવાયરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો અને શૉ-કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા દસ દિવસ અપાયા હતા. જો કે તેઓએ થોડા દિવસ વધુ માંગ્યા હતા અને વહીવટી અધિકારીના જણાવ્યા મુજબ તેમણે જ્યુડિશિયલ ઈન્કવાયરીમાં 70 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી હોવાનું કબલ્યું હતું અને પોતાનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું.
એનિમેશન વિભાગના હિસાબોમાં કરોડો રૂપિયાની ગેરરીતિ હોવાની ફરિયાદો છે ત્યારે અન્ય ખાતામાં રૂપિયાની ટ્રાન્સફર અને ગોટાળા મુદ્દે વધુ તપાસ માટે આજની ઈસી બેઠકમાં સર્વાનુમતે કમલજિત લખતરીયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.
ટર્મિનેશન કરાયા બાદ જવાબ રજૂ કરવા આપ્યો હતો સમય
જો કે આ કેસમાં વધુ તપાસ થાય તો અનેક નામ બહાર આવે તેમ છે અને અગાઉ આટલા વર્ષોથી જો ગેરરીતિ ચાલતી હતી તો અગાઉના કોઈ સત્તાધીશના ધ્યાને કેમ ન આવી? આ ઉપરાંત પોલિટિકલ વિભાગના વડા અને અધ્યાપક મુકેશ ખટિકને મહિલા અધ્યાપકની જાતીય સતામણી અને હેરાનગતિના કેસમાં ગત ઈસી બેઠકમાં ટર્મિનેશન કરાયા બાદ જવાબ રજૂ કરવા સમય અપાયો હતો.
જો કે તેઓ જવાબ રજૂ ન કરીને પુરાવા માંગ્યા હતા. બીજી બાજુ હાલ તેઓ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી પણ ચાલુ છે. જો કે યુનિવર્સિટી દ્વારા આજની ઈસી બેઠકમાં તેઓને ટર્મિનેશનને ફાઈનલ મંજૂરી આપી દેવાઈ છે.
જ્યારે સમાજવિદ્યા ભવનના અધ્યાપક વિપુલ પટેલ કે જેઓને થોડા મહિનાઓ પહેલા સસ્પેન્ડ કરાયા હતા અને જ્યુડિશિયલ ઈન્કવાયરી શરૂ કરાઈ હતી અને ચાર્જશીટ તૈયાર થયા બાદ હવે તેઓને કેસમાં ભ્રષ્ટાચારની વધુ એક પુરવણી ચાર્જ ઉમેરાઈ છે જેને પણ મંજૂરી અપાઈ હતી.