'તેઓ કોઈ ગુનેગાર નહીં પણ આપણાં ગુજરાતી છે', USથી ડિપોર્ટ થયેલા ભારતીયોને લઈને નીતિન પટેલની અપીલ
Illegal Indian Immigrants Return: અમેરિકાનું પ્રમુખ પદ સંભાળતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું છે. આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, 'અમેરિકાથી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણાં ગુજરાતી છે.'
'આ લોકોને આરોપી તરીકે ન જોવા જોઈએ'
અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓના પરત ફરવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 'આપણા ગુજરાતીઓ અમેરિકા પોતાની રીતે ગયા છે, ત્યાં તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકાના કાયદાને માન આપીને કામ કરે છે. પરંતુ અત્યારે તેમને અમેરિકન સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે પરત મોકલ્યા છે, તે મારી દૃષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે. મારી બધાને વિનંતી છે આવા લોકો પાછા આવે ત્યારે તેમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે, પરદેશમાં કમાવવા ગયા છે.'
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતી, 33 લોકોના નામની યાદી આવી સામે
અમેરિકામાં 18000 ગેરકાયદે ભારતીય પ્રવાસી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ 27મી જાન્યુઆરી 2025ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત વતન બોલાવવા નિર્ણય ભારતે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજ મુજબ, અમેરિકામાં આશરે 18000 ભારતીયો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે.