મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માટે રિવરફ્રન્ટ ઉપર ભીડ ભેગી કરવા એ.એમ.ટી.એસ.ની ૩૧૧ બસ ફાળવી દેવાઈ

વોર્ડ દીઠ કયાંક ૮ તો કયાંક ૧૦ બસ ભરીને લોકોને પહોંચાડવામાં આવ્યા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News

        

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માટે  રિવરફ્રન્ટ ઉપર ભીડ ભેગી કરવા એ.એમ.ટી.એસ.ની ૩૧૧ બસ ફાળવી દેવાઈ 1 - image
અમદાવાદ,શુક્રવાર,27 ઓકટોબર,2023

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માટે એ.એમ.ટી.એસ.ની બસનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો.વોર્ડ દીઠ કયાંક ૮ તો કયાંક ૧૦ બસ ભરીને લોકોને રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.કુલ ૩૧૧ બસ ફાળવવામાં આવતા કામકાજનો દિવસ હોવાથી એ.એમ.ટી.એસ.બસના નિયમિત મુસાફરો બસ નહી મળતા શટલ રીક્ષા અને અન્ય વાહનોની મદદથી ગંતવ્ય સ્થળે જવા મજબુર બન્યા હતા.

રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમ માટે શહેરના ૪૮ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના તમામ ૧૬૦ કોર્પોરેટરોને ભીડ ભેગી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.શુક્રવારે રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માટે ભાજપના કોર્પોરેટરોને લોકોની ભીડ ભેગી કરવાની કામગીરીની સાથે કાર્યક્રમ માટે આવનારા મહાનુભવો,અતિથી વિશેષ વગેરેના વાહન કયાં અને કયાં સ્થળે પાર્ક કરાવવા એ કામગીરી પણ સોંપવામાં આવતા સત્તાધારી પક્ષના કોર્પોરેટરોમાં ભારે કચવાટ સાંભળવા મળી રહયો હતો.એક તરફથી વોર્ડમાંથી લોકોને મોટી સંખ્યામાં એકઠા કરીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચાડવાના ઉપરથી કાર્યક્રમમાં જે મહાનુભવો આવે તેમના વાહન કયાં પાર્ક કરાવવા એ જવાબદારી પણ નિભાવવાની.સાંજના સમયે યોજવામાં આવેલા કાર્યક્રમ માટે ભાજપના મોટાભાગના કોર્પોરેટરોને સવારથી કામે લગાડી દેવામાં આવ્યા હતા.

મ્યુનિ.સ્ટાફને બપોરથી રિવરફ્રન્ટ ફરજ ઉપર મોકલી દેવાયો

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના સ્ટાફને બપોરથી જ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફરજ ઉપર મોકલી દેવામાં આવતા દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં અધિકારીઓ અને કર્મચારી વગર ખાલીખમ જોવા મળી હતી.કામ માટે આવેલા લોકોને ધરમધક્કો થયો હતો.


Google NewsGoogle News