ટેન્ડર પ્રક્રીયામાં વિલંબ બદલ બે એડીશનલ ઈજનેર સહિત પાંચ ઈજનેરોને શો-કોઝ અપાઈ
સ્ટ્રીટલાઈટ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેઈન્ટેનન્સના ટેન્ડર સમયસરન થતા કાર્યવાહી
અમદાવાદ,ગુરુવાર,30 જાન્યુ,2025
અમદાવાદમાં બે લાખથી વધુ સ્ટ્રીટપોલ આવેલા છે. આ પોલના
ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો હતો.ટેન્ડરનો
સમય પુરો થઈ જવા છતાં નવુ ટેન્ડર કરવામાં નહીં આવતા લાઈટ વિભાગના ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો હવાલો
સંભાળતા એમ બંને એડીશનલ સિટી ઈજનેર સહીત પાંચ ઈજનેરોને શોકોઝ ફટકારી મ્યુનિસિપલ
કમિશનર તરફથી ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળે છે.
અમદાવાદમાં આવેલા વીજપોલના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો
કોન્ટ્રાકટ સિટેલૂમ પ્રા.લી.ને પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો હતો.કોન્ટ્રાકટનો સમય
પુરો થયા પછી પણ લાઈટ વિભાગના એડીશનલ સિટી ઈજનેર એમ.કે.નિનામા દ્વારા નવુ ટેન્ડર
કરવાની પ્રક્રીયા કરવામા નહીં આવતા મ્યુનિસિપલ કમિશનર અધિકારી સામે લાલઘૂમ થયા
હતા. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકી
કેટલાકના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ પુરો થઈ જવાછતાં નવા ટેન્ડર કરવાના
બદલે જે તે કોન્ટ્રાકટરને સમય વધારી આપવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી
માટે મુકવામા આવતા એસ.ટી.પી.વિભાગના એડીશનલ સિટી ઈજનેર એમ.એચ.નિનામાને પણ શોકોઝ
ફટકારી ખુલાસો માંગવામા આવ્યો છે.ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખના કહેવા મુજબ, સુપરસકર મશીનની
કામગીરી માટે ટેન્ડર પ્રક્રીયામા બેદરકારી દાખવવા બદલ વિજિલન્સ તપાસ પછી ઈજનેરોની
બેદરકારી બહાર આવતા એસ.ટી.પી.વિભાગના ડેપ્યુટી સિટી ઈજનેર યુ.કે.મડીયા, આસિસ્ટન્ટ સિટી
ઈજનેર સંજય જેઠવા ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર રાજેશ પટણીને પણ શોકોઝ આપી મ્યુનિસિપલ
કમિશનર એમ.થેન્નારસન દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે.