આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી, રામાપીરના ટેકરા ઉપર અદાણી ગેસ પાઈપલાઈનમાં લીકેજથી આગ

એક ટ્રક,ત્રણ ટુવ્હીલર ઉપરાંત ચાની કિટલી,પાનના ગલ્લાને આગથી નુકસાન,આસપાસના વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી, રામાપીરના ટેકરા ઉપર અદાણી ગેસ પાઈપલાઈનમાં લીકેજથી આગ 1 - image


અમદાવાદ,બુધવાર,25 ઓકટોબર,2023

વાડજમાં રામાપીરના  ટેકરા ઉપર બુધવારે સાંજે ૫.૩૦ કલાકના સુમારે અદાણી ગેસ પાઈપલાઈનમાં લીકેજના પગલે  એકાએક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ગેસ પાઈપ લાઈનમાં લાગેલી આગ નજીકમાં ઉભી રાખવામાં આવેલી ટ્રક,ત્રણ ટુ વ્હીલર ઉપરાંત ચાની કિટલી અને પાનના ગલ્લા સુધી પ્રસરતા તમામને આગથી નુકસાન થયુ હતુ.આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ સહિત કેટલાક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા વીજ કંપનીને જાણ કરાતા બંધ વીજ પુરવઠો ફરી શરુ કરવામાં આવ્યો હતો.અમદાવાદ ફાયર વિભાગના આઠ વાહનોની મદદથી આગને કાબૂમાં લેવાઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવામા આવ્યા બાદ ફરી વખત ધુમાડા નીકળતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા પાઈપલાઈનનુ લીકેજ બંધ કરવા કંપનીના સ્ટાફને ફાયર વિભાગે જાણ કરી હતી.આ ઘટનાને પગલે કોઈને ઈજા કે જાનહાની થઈ નહીં હોવાનુ ફાયરસૂત્રોમાંથી જાણવા મળે છે.

અમદાવાદ ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ,સાંજે ૫.૩૦ કલાકના સુમારે વાડજના રામાપીરના ટેકરા ઉપર રબારી વસાહતના નાકા ઉપર અદાણી ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતા આગ લાગી હતી.આગ જોતજાતામાં ઝડપથી પ્રસરી જતા નજીકમાં ઉભી રાખવામાં આવેલી ટ્રક ઉપરાંત એચ.ડી.ડી.મશીનને નુકસાન થવા પામ્યુ હતુ.આગ લાગી હતી એ સ્થળે એચ.ડી.ડી.મશીનની મદદથી કેબલ લેઈંગનું કામ ચાલી રહયુ હતુ.સ્થળ ઉપર આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા ફાયર અધિકારીના કહેવા મુજબ,એચ.ડી.ડી.મશીનથી થઈ રહેલી કેબલ લેઈંગની કામગીરીના કારણે ગેસ પાઈપલાઈનમાં ભંગાણ પડયુ હોવાનું પ્રાથમિક અનુમાન છે.ઘટનાની જાણ થતા ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસર ઉપરાંત નવરંગપુરા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સહિત ફાયરના જવાનોએ ગણતરીની મિનીટોમાં આગ બુઝાવી દીધી હતી.


Google NewsGoogle News