ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઔડા દ્વારા ફાયર NOC, B.U. વગરના ૧૦૦ એકમોને નોટિસ
દસ દિવસમાં ફાયર એન.ઓ.સી.બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવવા અંગે તાકીદ કરાઈ
અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ, 2025
ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઔડા દ્વારા ગેમઝોન, શોપિંગ મોલ,હોસ્પિટલ સહીતના
૧૦૦ એકમોને ફાયર એન.ઓ.સી.તથા બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવી લેવા નોટિસ આપી છે. દસ
દિવસમાં ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવવા કાર્યવાહી કરવામાં નહીં આવે
તો બિલ્ડિંગ સીલ કરવા સુધીની કાર્યવાહી
કરાશે.એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
ઔડા હસ્તક આવેલા વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં એકમો પાસે
ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન નહીં હોવાનુ સામે આવ્યુ છે.આધારભૂત
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ઔડા વિસ્તારોમાં ફાયર એન.ઓ.સી તથા બિલ્ડિંગ યુઝ નહીં
ધરાવતા એકમોને શોધી કાઢવા ખાસ ઝૂંબેશ કરાઈ
હતી.૫૦થી વધુ લોકો ભેગા થતા હોય તેવા પબ્લિક ગેધરીંગ પ્લેસ અને પેટ્રોલપમ્પ સહીતના
અન્ય એકમોને ઔડા દ્વારા નોટિસ આપવામાં આવી છે. દસ દિવસમાં ફાયર એન.ઓ.સી.કે
બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવવાની કાર્યવાહી નહી કરનારા એકમોને મંજુરી ના મળે ત્યાં
સુધી એકમ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.ઔડા દ્વારા ગેમઝોન ઉપરાંત શૌક્ષણિક એકમો, ટયુશન કલાસીસ, શોપિંગ મોલ,હોસ્પિટલ, મલ્ટી પ્લેકસ
બેન્કવેટ હોલ સહીતના એકમોને નોટિસ આપવામાં આવી છે.