Get The App

અમદાવાદીઓ ફ્લાવર શો જોવા જાઓ તો ધ્યાન રાખજો, રિવરફ્રન્ટમાં નકલી એન્ટ્રી ટિકિટનું કૌભાંડ

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
અમદાવાદીઓ ફ્લાવર શો જોવા જાઓ તો ધ્યાન રાખજો, રિવરફ્રન્ટમાં નકલી એન્ટ્રી ટિકિટનું કૌભાંડ 1 - image


Flower Show 2025: અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ 2025નો ત્રીજી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે, જે 24મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ફ્લાવર શૉની નકલી ટિકિટનું કૌભાંડ સામે આવ્યું છે. વાત એમ છે કે, ઓનલાઇન ટિકિટનું વેચાણ બંધ થયા પછી ભેજાબાજો નકલી ટિકિટ વેચતા હતા. નોંધનીય છે કે, ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ અને ફિલ્મ શૂટિંગ કરવા ઈચ્છતા લોકો નિયમ મુજબનો ચાર્જ ભરીને શૂટિંગ કરી શકશે. 

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, રિવરફ્રન્ટમાં યોજાયેલા ફ્લાવર શોમાં અનેક લોકો પાસે નકલી ટિકિટો મળી આવી છે, જે પ્રિન્ટ કરેલી છે. 70 રૂપિયાના દરની 27 તેમજ 100 રૂપિયાના દરની 25 ટિકિટ મળી આવી છે, જે અસલી ટિકિટ જેવી જ છે. આમ, ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી કુલ 52 નકલી ટિકિટ મળી આવી છે. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે

ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ શૂટ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં શૉના અંતિમના બે દિવસમાં પ્રિ-વેડિંગ કરી શકાશે, જેમાં સવારના 7 વાગ્યાથી 9:30 સુધી પ્રિ-વેડિંગ કરી શકાશે, જેના માટે 25 હજાર ચાર્જ નક્કી કરાયો છે. જ્યારે ફિલ્મ શૂટિંગ માટે એક લાખનો ચાર્જ ચૂકવવો પડશે.

શું છે ટિકિટ દર?

ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500 રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં અપાશે. 

અમદાવાદીઓ ફ્લાવર શો જોવા જાઓ તો ધ્યાન રાખજો, રિવરફ્રન્ટમાં નકલી એન્ટ્રી ટિકિટનું કૌભાંડ 2 - image


Google NewsGoogle News