ખુશખબર: ફ્લાવર શૉ 2025 બે દિવસ લંબાવાયો, પ્રિ-વેડિંગ-ફિલ્મ શૂટિંગ કરી શકાશે, જાણો ચાર્જ
Flower Show 2025 : અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ 2025નો 3 જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. 22 જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર શૉની મુદત વધારીને 24 જાન્યુઆરી સુધીની કરવામાં આવી છે. જ્યારે ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ અને ફિલ્મ શૂટિંગ કરવા ઈચ્છતા લોકો નિયમ મુજબનો ચાર્જ ભરીને શૂટિંગ કરી શકશે.
24 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શૉ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે. ફ્લાવર શૉ 2025નો 3 જાન્યુઆરીથી પ્રારંભ કરાયો હતો, જેમાં 22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શૉના બે દિવસ લંબાવીને 24 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ અને વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ-અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શૉમાં સ્કલપચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નીહાળવા મળશે. જેમાં ફ્લાવર શૉ જોવા માટે આવતા લોકો રૂબરું અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. આ સાથે ફ્લાવર શૉમાં આવતા લોકો QR કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે, ઉત્તરાયણમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી
ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે
ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ શૂટ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં શૉના અંતિમના બે દિવસમાં પ્રિ-વેડિંગ કરી શકાશે, જેમાં સવારના 7 વાગ્યાથી 9:30 સુધી પ્રિ-વેડિંગ કરી શકાશે, જેના માટે 25 હજાર ચાર્જ નક્કી કરાયો છે. જ્યારે ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ ચૂકવવો પડશે.
વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન
અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. 10.24 મીટર ઊંટાઈ અને 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યું. અગાઉ આ પહેલાં આ રૅકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટીના નામે હતો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર-શો-2025ને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયું. ગત વર્ષે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને લઈ સિદ્ધિ મળી.
શું છે ટિકિટ દર?
ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે.
ફ્લાવર શૉમાં દેશ-વિદેશના ફૂલો મુકાલાતીઓ માટે એક અલગ જ નજરાણું જોવા મળશે. આ વખતેના ફ્લાવર શૉમાં 30થી વધુ વિદેશી જાતના ફૂલોની સાથે 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરાયા છે અને 7 લાખથી વધુ રોપા સાથેની તૈયાર કરાયેલી 400 ફૂટની ક્રેનીયલ વોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફ્લાવર શૉમાં મુલાકાતીઓ ફૂલછોડ-રોપાની ખરીદી કરી શકે તે માટે ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ પણ લગાવામાં આવ્યા છે.