ચિંતાજનક! રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના હાર્ટએટેકથી મોત, પરિવારો પર આભ તૂટી પડ્યું
યુવાનોના હાર્ટ એટેકથી મોતના વધેલા કિસ્સાથી ચિંતા યથાવત
ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં મોટો વધારો
કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેક (Heart attack)થી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. જે બાબતે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં કોરોના પછી જ અચાનક યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ગુજરાતના રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેક(Rajkot Heart attack)ના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ચાર અને મેટોડા GIDCમાં એક મળી કુલ પાંચ વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નિપજ્યાં છે. આ તમામના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
35 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત
અંબિકા ટાઉનશીપમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર (ઉ.વ. 35) આજે સવારે ઘરે બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજ્યું હતું. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેકથી મોત થયાનું તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ખેતરમાં 45 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત
બીજા કિસ્સામાં કોઠારીયા ગામે રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભૂત (ઉ.વ. 45) આજે સવારે રાજકોટ નજીકના ખોરાણા ગામે પોતાની વાડીએ હતા ત્યારે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું. ખેડૂત રાજેશભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હાર્ટએટેકથી મોત થયાનું કુવાડવા રોડ પોલીસે જણાવ્યું હતું.
મજૂરી કામ કરતા 34 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
ત્રીજા બનાવમાં ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગરમાં રહેતા રશીદખાન નત્થુખાન (ઉ.વ. 34) આજે ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું. આજી ડેમ પોલીસે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું છે. રશીદખાન મજૂરી કામ કરતા હતા. તેના અકાળે મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા.
રસોઈ બનાવતી વખતે હાર્ટ એટેક આવતા મોત
ચોથા કિસ્સામાં મેટોડા જીઆઈડીસીમાં સ્થિત એસએસવી વાલ્વ કંપનીમાં નોકરી કરતા અને તેની જ ઓરડીમાં રહેતા વિજય માલુઆ સાંકેશ (ઉ.વ. 30) ગઈકાલે રસોઈ બનાવતી વખતે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. હાર્ટએટેકથી મોત થયાનું મેટોડા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.
21 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત
પાંચમાં કિસ્સામાં 21 વર્ષીય ધારા પરમાર બેફાન થઈ ગઈ અને તેમના ઘરે શંકાસ્પદ હૃદય બેસી જવાથી તેનું મોત થઈ ગયું. યુવતીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.