ગુજરાતમાં તહેવાર પર માતમ છવાયો, છેલ્લા 24 કલાકમાં હૃદયરોગના હુમલાથી પાંચ લોકોના મોત
સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજ્યું
Death Due To Heart Attack In Gujarat: કોરોના મહામારી બાદ ગુજરાતમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હૃદયરોગના હુમલાથી પાંચ લોકોના મૃત્યુ નીપજતા હોળી-ધૂળેટીના તહેવાર પર માતમ છવાયો હતો. રાજકોટમાં એક, મોરબી જિલ્લામાં બે અને સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાના કારણે મોત થયા હતા.
સુરતમાં જિમ ટ્રેનરનું હૃદયરોગના હુમલાથી મોત
સુરતમાં છેલ્લા 24 કલાકમાં હૃદયરોગના હુમલાથી બે લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રથી બહેનની દીકરીની સગાઈમાં આવેલી 42 વર્ષીય રત્નમાલા ખાંડેરામને ઓચિંતા છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યા અને ત્યાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલાને સંતાનમાં 15 વર્ષીય બાળક છે. જ્યારે બીજી ઘટનામાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હૃદયરોગને કારણે જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત ડુમ્મસના સાહિલ પટેલ રાત્રીના સમયે પોતાના ઘરે અચાનક ઢળી પડતા પરિવારે તાત્કાલિક સારવારમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં તેમનું પણ મૃત્યુ થયું હતું.
રાજકોટમાં ધૂળેટી રમ્યા બાદ યુવકે જીવ ગુમાવ્યો
રાજકોટમાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. સોમવારે ધૂળેટી રમીને બપોરે ઘરે આવ્યા બાદ 22 વર્ષીય કશ્યપ ખીરાને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપાડતા મૃત્યુ થયું હતું. તેમની નિધનથી ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. મૃતક કશ્યપ ખીરા એમ.બી.એ.માં અભ્યાસ કરતો હતો.
વાંકાનેરમાં બે લોકોના મોત
મોરબીના વાંકાનેરની સંઘવી શેરીમાં સહદેવભાઈ ગોસાઈ નામના વ્યક્તિનું હૃદયરોગના હુમલાથીનું મૃત્યુ થયું હતું. તો અન્ય એક ઘટનામાં વાંકાનેરના નૂર પ્લાઝામાં પરપ્રાંતીય યુવકનું હ્યદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.