Get The App

સાત પૈકી પાંચ દર્દી વિદેશ જઈ પરત ફર્યા હતા, અમદાવાદમાં કોરોના સાત એકટિવ કેસ,તમામ દર્દી હોમ કવોરન્ટાઈન

કોરોના પોઝિટિવ આવેલા દર્દી ઘાટલોડીયા,જોધપુર અને પાલડી વોર્ડના,ઓસ્ટ્રેલિયા,સિંગાપુર,દુબઈ,યુ.કે.ની ટ્રાવેલ હીસ્ટ્રી મળી

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
સાત પૈકી પાંચ દર્દી વિદેશ જઈ પરત ફર્યા હતા, અમદાવાદમાં કોરોના સાત એકટિવ કેસ,તમામ દર્દી હોમ કવોરન્ટાઈન 1 - image


અમદાવાદ,બુધવાર,20 ડિસેમ્બર,2023

દેશના અન્ય રાજયોની સાથે અમદાવાદમાં પણ કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે.શહેરમાં કોરોનાના સાત એકટિવ કેસ હોવાનું બહાર આવ્યુ છે.૧૫થી ૭૦ વર્ષની વયજુથના આ દર્દીઓ ઘાટલોડીયા ઉપરાંત જોધપુર અને પાલડી વોર્ડના છે.સાત પૈકી પાંચ દર્દી ઓસ્ટ્રેલિયા,સિંગાપુર ઉપરાંત દુબઈ અને યુ.કે. જઈ પરત આવ્યા હતા.જયારે બે દર્દી અમદાવાદમાં જ હતા.તંત્ર તરફથી તમામ દર્દીના જીનોમ સિકવન્સ સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.હાલ તમામ દર્દી હોમ કવોરન્ટાઈન હેઠળ છે.અમદાવાદમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દી પૈકી નવા વેરિયન્ટનો એકપણ કેસ નહી હોવાનુ જાણવા મળે છે.

દેશભરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી પણકેન્દ્ર સરકારના આરોગ્ય મઁત્રાલયની ગાઈડલાઈન મુજબ  કોરોનાને લઈ રેન્ડમ ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યુ છે.આ દરમિયાન મળતી વિગત છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદના અલગ અલગ વોર્ડ વિસ્તારમાંથી કોરોનાના સાત એકટિવ કેસ મળી આવ્યા છે.શહેરના નદીપાર આવેલા ઘાટલોડીયા,જોધપુર અને પાલડી વોર્ડમાંથી વિદેશ જઈ પરત ફરેલા કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવવા પામ્યુ છે.કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ચાર મહિલા અને ત્રણ પુરુષ દર્દી છે.દરમિયાન મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે અમદાવાદમાં કોરોના સંક્રમણને ખાળવા સંભવિત તમામ સઘન કાર્યવાહી યુધ્ધના ધોરણે કરવા તંત્રને આદેશ આપ્યો હતો.અમદાવાદમાં ઘણાં લાંબા સમય બાદ કોરોનાના કેસની એન્ટ્રી થતા ટેસ્ટીંગ વધારવા તેમજ ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ ઉપર ખાસ ભાર મુકવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના અપાઈ છે.

૨૬ જુલાઈ-૨૦૨૨ના રોજ અમદાવાદ માઈક્રોકન્ટેઈન્મેન્ટ ફ્રી જાહેર કરાયુ હતુ

અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં આવેલા સુભાષનગરના ત્રણ મકાનમાં રહેતા અઢાર લોકોને મ્યુનિ.તંત્ર તરફથી કોરોનાના કેસ નોંધાવાના કારણે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.૨૬ જુલાઈ-૨૦૨૨ના રોજ આ માઈક્રોકન્ટેઈન્મેન્ટ મ્યુનિ.તંત્ર તરફથી દુર કરાયુ હતુ.


Google NewsGoogle News