અમદાવાદના SG હાઈવેનો 5 કિ.મી.નો હિસ્સો એક્સિડન્ટ ઝોન, વાહનો રોંગસાઈડ જવા મજબૂર

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Accident Zone in Ahmedabad


Accident Zone in Ahmedabad: અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિકજામ નિવારવા ગોતા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના પાંચ કિલોમીટર વિસ્તારમાં આવતાં કુલ દસ જેટલાં કટ બંધ કરવામાં આવતાં આ રસ્તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે. આસપાસના રહેણાંક અને ઓફિસોમાંથી નીકળતા વાહન ચાલકોએ રોંગ સાઈડ આવવા લાગ્યાં છે. આ કારણે પાંચ કિ.મી.નો આ રસ્તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે. 

સોમવારે (30મી સપ્ટેમ્બર) ઢળતી સાંજે એક કિ.મી. વિસ્તારમાં કારે બે યુવકને ટક્કર માર્યાની બે ઘટના બની હતી. એક ઘટનામાં ઈજા પામેલા વિસનગરના યુવકની તબિયત સુધારા ઉપર છે અને બીજા બનાવમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ હજુ મળી નથી. બે યુવકોને ટક્કર મારી પલાયન થયેલી બે કારના સીસીટીવી ન મળતાં પોલીસની નિષ્ક્રીયતા જણાય છે.

અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો

એસ.જી. હાઈવે ઉપર વાહનોની ગતિ બેકાબૂ બનતાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો આવ્યો છે. સોમવારે (30મી સપ્ટેમ્બર) રાત્રે પોણા આઠ વાગ્યાના અરસામાં મની પ્લાન્ટ બિલ્ડીંગ સામે એક અજાણ્યા વ્યક્તનું રોડ ક્રોસ કરતી વખતે ગોતા તરફથી પુરઝડપે આવેલી કારની ટક્કરથી મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો: લવ જેહાદને આંતરરાષ્ટ્રીય કાવતરું ગણાવતાં કોર્ટે 25 વર્ષીય આરોપીને આજીવન કેદની સજા ફટકારી


બીજા બનાવમાં સોમવારે (30મી સપ્ટેમ્બર) રાતે નવ વાગ્યે ઝાયડસ બિલ્ડીંગ પાસે રોન્ગસાઈડમાં આવેલી પિક- અપ વાને ચાલીને જતા યુવકને ટક્કર મારી હતી. મિત્રના પુત્રની ખબર કાઢવા કે.ડી. હોસ્પિટલમા વિસનગરના મિત્રો આવ્યા હતા. જમ્યા પછી ચાલીને પરત ફરતા સુનિલ પટેલ (ઉ.વ.૪૦) કારની ટક્કરથી ગટર સાથે માથુ અથડાયું હતું. માથામાં ઈજાની સારવારના પગલે મુળ વિસનગરના રહીશ સુનિલ પટેલની તબિયત સુધારા ઉપર છે. તેમના નિધનના સમાચાર શરતચૂકથી છપાયાં હતાં. આ અજાણી પિક-અપ વાનનો પતો હજુ સુધી મેળવી ન શકતાં પોલીસની નિષ્ક્રીયતા ઉજાગર થઈ છે.

એક કલાકના સમયગાળામાં બે ગંભીર અકસ્માત

સોમવારે રાતે એક કલાકના સમયગાળામાં બે ગંભીર અકસ્માત સર્જનાર વાહનોની ભાળ એસ.જી.1 ટ્રાફિક પોલીસને  48 કલાકનો સમય વિતવા છતાં મળી શકી નથી. પોલીસનું કહેવું છે કે, એસ.જી. હાઈવે ઉપર હાઈવે ઓથોરિટી દ્વારા સીસીટીવી નાંખવામાં આવ્યાં છે. પરંતુ, ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના હાઈવે ઉપર હજુ વધુ સીસીટીવી લગાવવાની પ્રક્રિયા હાઈવે ઓથોરિટી દ્વારા ચાલી રહી છે. પૂરતા સીસીટીવી ન હોવાના કારણે અકસ્માત સર્જનાર વાહનોની ભાળ મેળવવાનું પોલીસ માટે આસાન નથી.

બીજી તરફ, ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધી પાંચ કિલોમીટરના એસજી હાઈવે ઉપર 10 કટ એટલે કે ક્રોસ રોડ્સ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ કરવામાં આવ્યાં છે. એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિક જામ નિવારવા લેવાયેલા આ નિર્ણયથી અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ગોતાથી વૈષ્ણોદેવી સુધીના હાઈવેની બન્ને બાજુનો અડધાથી એક કિલોમીટરનો વિસ્તાર રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો તરીકે ઝડપભેર ડેવલપ થઈ રહ્યાં છે. આ વિસ્તારોમાંથી આવતાં ઘણાંખરાં વાહનો એસ.જી. હાઈવે ઉપર કટ એટલે કે ક્રોસ રોડ ન મળતાં રોંગ સાઈડમાં દોડાવવામાં આવે છે. પાંચ કિ.મી.ના હાઈવે ઉપર રાહદારીઓ કે ચાલીને રોડ ક્રોસ કરનારાંઓ માટે કોઈ વ્યવસ્થા નથી. સાથે જ, કટ બંધ કરાતાં વાહનોની ગતિ હવે વધી ગઈ હોવાથી રાહદારીઓ માટે કાયમી જોખમ તોળાતુ રહે છે.

અમદાવાદના SG હાઈવેનો 5 કિ.મી.નો હિસ્સો એક્સિડન્ટ ઝોન, વાહનો રોંગસાઈડ જવા મજબૂર 2 - image


Google NewsGoogle News