ધૂળેટીના પર્વે ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થી સહિત કુલ નવના મોત
Death Due To Drowning In Gujarat: દેશભરમાં આજે (સોમવાર) ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. પરંતુ તહેવારની ઉજવણી વચ્ચે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ડૂબી જવાની જુદી-જુદી ઘટનામાં કુલ નવ લોકોના મોત થયા છે. બનાસકાંઠામાં બે, મહિસાગરમાં એક અને ભાવનગરમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ખેડાના વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓ મોત થયા છે.
ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણના મોત
મળતી માહિતી અનુસાર, વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજના 12 વિદ્યાર્થીઓનું ગ્રૂપ વડતાલ આવ્યું હતું. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ખેડાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં નાહવા ગયા હતા. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા હતા, જ્યારે બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને કરતા તાત્કાલિક એક ટીમ ત્યાં પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં બેના મોત
બનાસકાંઠા જિલ્લામાં આવેલી બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. યુવકો ધુળેટીનું પર્વ મનાવી નાહવા માટે નદીમાં ગયા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે. મૃત્યુ પામેલા યુવકોના નામ મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ છે. આ બંને ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ભાવનગરમાં ત્રણ યુવાનોના મોત
ભાવનગરમાં તળાજાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. ફાયર વિભાગ દ્વારા ત્રણેય યવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે મહિસાગરમાં પણ ડૂબી જવાથી એકનું મોત થયું છે.