'મારો પુત્ર 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ, મૃત્યુ પહેલા તેને જોવાની ઈચ્છા', ગુજરાતના માછીમાર પરિવારની વેદના
Gujarat News: 'મારો પુત્ર ચાર વર્ષ અગાઉ માછીમારી કરતાં-કરતાં આકસ્મિક રીતે પાકિસ્તાન પહોંચી ગયો હતો અને ત્યારથી તે ત્યાંની જેલમાં છે. પુત્રની મુક્તિની રાહ જોતાં-જોતાં તેના પિતાનું પણ અવસાન થયું છે. હવે હું બીજાના ઘરે કચરા-પોતાં કરીને અને મારી પુત્રવધુ માછલી છૂટી પાડવાનું કામ કરીને માંડ-માંડ ગુજરાન ચલાવીએ છીએ. પુત્રની મુક્તિ માટે કલેક્ટરથી લઇને નેતાઓ સુધી દરેકને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે અમારી હિંમત પડી ભાંગી છે...' આંખોમાં આંસુ અને અવાજમાં આક્રંદ સાથેના આ શબ્દો પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના માછીમારના પરિવારોના છે.
માછીમારોએ વિદેશ મંત્રીને લખ્યો પત્ર
પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના માછીમારોના પરિવારોએ વિદેશ મંત્રીને પત્ર લખી મદદ માટે ગુહાર પણ લગાવી છે. હાલમાં ભારતના 219 જેટલા માછીમારો કરાચીની માલિર જેલમાં વર્ષોથી કેદ છે, જેમાંથી મોટાભાગના ગુજરાતના છે. જેલમાં કેદ અનેક માછીમારોની હાલત અત્યંત ખરાબ છે. આ ઉપરાંત 170 માછીમારોની જેલની સજાની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ પણ કેદમાં છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ રાષ્ટ્રીયતા પુરવાર થયા બાદ એક મહિનામાં તેઓએ તેમના માછીમારોને કેદમાંથી મુક્ત કરવા પડશે. પરંતુ આ કરારની શરતોનું પાલન નથી રહ્યું.
માછીમારોનો પરિવાર ચિંતામાં
ગુજરાતના જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમાં 52 માછીમારો છેલ્લા 33 વર્ષથી, 130 બે વર્ષથી મુક્તિની રાહ જોઈ રહ્યા છે. વિદેશ મંત્રીને લખેલા આ પત્રમાં માછીમારોના પરિવારે માગ કરી છે કે, જેલમાંથી મુક્ત કરવા માટે પાકિસ્તાન ઉપર દબાણ વધારવામાં આવે તે જરૂરી છે. પાકિસ્તાન જુલાઈ 2023માં 100 અને એપ્રિલ 2024માં 35 જેટલાં માછીમારોને મુક્ત કરવા માટે તૈયાર હતું. પરંતુ, કોઈ અજ્ઞાત કારણોસર પાકિસ્તાને ભારતીય માછીમારોને મુક્ત નહતા કર્યાં. જેલમાં કેદ માછીમારો સાથે તેમના પરિવારનો કોઈ સંપર્ક પણ કરવા દેવામાં નથી આવતો. જેના કારણે માછીમારના પરિવારો વધુ ચિંતામાં મૂકાયા છે.
જેલમાં કેદ ભારતીય માછીમારોના સ્વાસ્થ્ય ચકાસવા તબીબોની ટીમ પણ ભારતથી પાકિસ્તાન મોકલવી જોઈએ. આ બાબત એટલા માટે મહત્ત્વની છે કેમકે છેલ્લાં એક વર્ષમાં 3 સહિત 10 વર્ષમાં 27 માછીમારોના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા છે. ભારત અને પાકિસ્તાનના કેદીઓ માટેની જ્યુડિશિયલ મિટિંગ ઓક્ટોબર 2013 બાદ યોજાઈ નથી.
આ પણ વાંચોઃ આઇસક્રીમ અને ચોકલેટની લાલચ આપી ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનારને આજીવન કેદ
આર્થિક સહાય માટે પણ ધક્કા ખાવા પડે છે
માછીમારના પરિવારનો આક્ષેપ છે કે જેલમાં હોવાને કારણે માછીમારના પરિવારને દર મહિને આર્થિક સહાય મળતી હોય છે. પરંતુ, આ રકમ પણ ખૂબ જ મામલૂ છે. ઉપરાંત તેના માટે અમારે કલેક્ટર કચેરીથી માંડીને નેતા સમક્ષ ધક્કા ખાવા પડ્યાં છે. તેમ છતાં હજુ સુધી અમને સરકાર તરફથી કોઈ સહાય નથી મળી. માછીમાર છે એટલે તેની સરકારને કદર લાગતી નથી. તેની બદલે મલ્ટિનેશનલ કંપની કર્મચારી પાકિસ્તાનની જેલમાં ફસાયો હોત તો સરકારે તેની મુક્તિ માટે વાટાઘાટો શરૂ કરી દીધી હોત.
જેલમાં કેદ માછીમારના પરિવારની વેદના
માછીમારની પત્ની ભારતી સોલંકીએ પોતાની વેદના જણાવતા કહ્યું કે, 'મારા પતિ વર્ષ 2022થી પાકિસ્તાની જેલમાં છે. મારી એક દીકરી સાડા ત્રણ વર્ષની અને પુત્ર 8 વર્ષનો છે. છેલ્લાં એક વર્ષથી સસરાને પેરાલિસિસ થયેલું છે જેના કારણે કમાવવાથી માંડીને ઘરની બધી જવાબદારી પણ મારા પર છે.'
આ પણ વાંચોઃ ઉત્તરાયણના ઘર ખર્ચ માટે પતિએ દમણ જવાનું કહ્યું : પત્નીએ આત્મહત્યા કરી
પોતાના પુત્રના વિરહની વેદનામાં માછીમારની માતા સવિતા સદને જણાવ્યું કે, 'મારો દીકરો ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં છે. એ જેલમાં હતો ત્યારે તેના પિતાનું પણ અવસાન થયું છે. મારે બીજાના ઘરે કામ કરવા જઈને બે છેડા ભેગા કરવા પડી રહ્યા છે.'
આ સિવાય અન્ય એક માતા ધની બરૈયાએ કહ્યું કે, 'મારો દીકરો 18 વર્ષની ઉંમરે માછીમારી કરવા ગયો અને ત્યારથી તે પાકિસ્તાનની જેલમાં છે. મારો બીજો દીકરો હજુ સ્કૂલમાં ભલે છે અને પતિ એક વર્ષથી પથારીવશ છે. જેના કારણે ઘરની સઘળી જવાબદારી મારી ઉપર આવી ગઈ છે.'