વર્ષો બાદ જામનગરમાં દેખાયા દુર્લભ કાળા તેતર, પક્ષી પ્રેમીઓમાં છવાયો અનેરો ઉત્સાહ
Black Francolin seen in Jamnagar: પક્ષી જગત એક અલગ જ દુનિયા છે. ફક્ત ભારતમાં જ નાના-મોટા, રંગબેરંગી 1200 થી વધુ પક્ષીઓ જોવા મળે છે. તેમાં પણ ગુજરાતનું જામનગર પક્ષીઓનું સ્વર્ગ કહેવાય છે. અહીં દર વર્ષે લોકોને પક્ષી જગત વિશે કંઈક નવી જાણકારી મળે છે. આ વર્ષે અહીં બ્લેક ફ્રેંકોલીન એટલે કાળા તેતર જોવા મળ્યાં છે, જે ખૂબ જ અનોખી ઘટના છે.
જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર યશોધન ભાટિયા, આશિષ પાણખાણીયા અને હિરેન ખંભાયતા સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેઓને બ્લેક ફ્રેંકોલીન એટલે કાળા તેતરનો અવાજ સાંભળવા મળ્યો. સામાન્ય રીતે આ પક્ષી ગુજરાતના કચ્છ સિવાય કોઈ જગ્યાએ જોવા મળતા નથી. તેથી, તેનો અવાજ સાંભળતા જ પક્ષીવિદો ચોંકી ગયાં હતાં.
આ પણ વાંચોઃ વડોદરા નજીક પદમલા હાઇવે પર મહાકાય અજગરનું વાહનની અડફેટમાં મોત
પક્ષીવિદોને જોવા મળ્યો ચોંકાવનારો નજારો
જામનગરના ખટિયા વિડી વિસ્તારમાં પક્ષીવિદોને કાળા તેતરનો અવાજ સંભળાતા જ તેઓ ખરેખર આ જ પક્ષી છે કે નહીં તે તપાસવા કલાકો સુધી વિડીમાં કેમેરા અને બાયનોક્યુલર લઈને ફર્યાં. શોધખોળ દરમિયાન તેઓને આશ્ચર્યજનક રીતે 6 થી વધુ કાળા તેતર જોવા મળ્યા હતાં.
વર્ષો પહેલાં જામનગરના રાજા જામસાહેબ રણજીતસિંહ આ જ વિસ્તારમાં કાળા તેતરની 500 જોડી બહારથી લઈને લાવ્યા હતાં. જોકે, કોઈ કારણોસર ફક્ત પાંચ વર્ષમાં જ આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હતી. વર્ષો પછી કચ્છ બાદ ફરીથી જામનગરમાં કાળા તેતર જોવા મળતાં પક્ષીવિદોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. સૌથી અનોખી વાત એ હતી કે, કાળા તેતર અને પચરંગી તેતર બંને પહેલીવાર એક જ જગ્યાએ જોવા મળ્યા હતાં. આ પહેલાં આવી કોઈ ઘટના બની હોય તેવો સાયન્ટિફિક રેકોર્ડ નથી.
જામનગરમાં કાળા તેતર જોવા મળતાં પક્ષી પ્રેમીઓમાં અનોખો રોમાંચ જોવા મળી રહ્યો છે. આ ઘટના અંગે પક્ષી સંસ્થાઓને પણ જાણ કરવામાં આવી રહી છે. જામનગર પક્ષી જગત માટે કંઈક અનોખું આપવા માટે પ્રસિદ્ધ છે. ભૂતકાળમાં એશિયન ડોવિચર પક્ષી, મ્યુટ સ્વાન, રેડ નોટ તેમજ હમણાં જ આવેલા ગીધ પક્ષી તેની સાક્ષી પૂરે છે.