Get The App

પહેલી વખત ફોસ્ટર કેર સ્કીમ હેઠળ દત્તક લેવાયેલા 3 બેસહારા બાળકોને સંપન્ન પરિવારોની હૂંફ મળી

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
પહેલી વખત ફોસ્ટર કેર સ્કીમ હેઠળ દત્તક લેવાયેલા 3 બેસહારા બાળકોને સંપન્ન પરિવારોની હૂંફ મળી 1 - image


વડોદરા, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર

ગુજરાત અને કેન્દ્ર સરકારની  ફોસ્ટર કેર સ્કીમને વડોદરામાં સફળતા મળી છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સમાજ સુરક્ષા સંકુલમાં રહેતા માતા-પિતા વગરના ત્રણ કિશોરોને ફોસ્ટર કેર સ્કીમ હેઠળ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પરિવારની હૂંફ મળી છે.

સમાજ સુરક્ષા સંકુલનુ સંચાલન સામાજિક ન્યાય વિભાગ તેમજ દીપક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંકુલમાં રહેતા અનાથ, બેસહારા તેમજ દિવ્યાંગો બાળકોને સમાજની મુખ્ય ધારા સાથે ભેળવવા માટે અને તેમનુ રિહેબિલિએશન કરવા માટે વિવિધ યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. ફોસ્ટર કેર સ્કીમ પણ આ યોજનાઓ પૈકીની એક છે.

સંકુલના પ્રોજેકટ ઓફિસર મુકેશ મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, 2018થી સરકારે ફોસ્ટર કેર સ્કીમ લોન્ચ કરી છે. સામાન્ય રીતે અનાથ બાળકોને 6 વર્ષની વય સુધી માતા પિતા આખી જિંદગી માટે દત્તક લેતા હોય છે. જ્યારે ફોસ્ટર કેર સ્કીમમાં કોઈને કોઈ કારણસર માતા પિતાનો સહારો ગુમાવી બેઠેલા 6 વર્ષથી વધારે વયના અને 18 વર્ષથી ઓછી વયના બાળકોને સંપન્ન પરિવારો પરસ્પરની સંમતિથી દત્તક લઈ શકે છે અને પોતાની સાથે પોતાના ઘરમાં રાખીને તેમને સહારો પૂરો પાડી શકે છે.

તેમના કહેવા અનુસાર ગુજરાતમાં સૌથી પહેલા ફોસ્ટર હોમ વડોદરાના સમાજ સુરક્ષા સંકુલમાં શરુ થયુ હતુ. 2018માં ફોસ્ટર કેર સ્કીમ લોન્ચ થઈ એ પછી અત્યાર સુધીમાં 3 બાળકોને આ સ્કીમ હેઠળ દત્તક આપવામાં આવ્યા છે. આ પૈકી એક બાળકને તો સમાજ સુરક્ષા સંકુલના પ્રોબેશન ઓફિસર સંધ્યાબેન સપકાલે પોતાના બે પુત્રો હોવા છતા દત્તક લીધો છે. જે આજે તેમના ઘરે જ રહીને 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. અન્ય બે કિશોરોને બીજા પરિવારોએ દત્તક લીધા છે.

મુકેશ મોદીનુ કહેવુ છે કે, ત્રણ કેસમાં સફળતા મળી છે અને અમે ઈચ્છીએ છે કે, સાધન સંપન્ન પરિવારો આવા બાળકોને ફોસ્ટર કેર સ્કીમ હેઠળ દત્તક લેવા માટે આગળ આવે.અમારે ત્યાં રહેતા 6 વર્ષથી વધારે વયના ચાર બાળકો એવા છે જેમણે આ રીતે બીજા પરિવારની સાથે રહેવામાં રસ બતાવ્યો છે.

ફોસ્ટર સ્કીમ કેવી રીતે કામ કરે છે

જે બાળકોને 6 વર્ષ સુધી કોઈને કોઈ કારણસર કોઈએ દત્તક ના લીધા હોય તેવા બાળકો માટે સરકારે આ સ્કીમ શરુ કરી છે.

જેમાં પહેલા તો બાળકની સંમતિ જરુરી છે.સાથે સાથે કોઈ પરિવાર પણ આ રીતે દત્તક લેવા માટે તૈયાર હોય તો બંને પક્ષોને એક સાથે લાવવામાં આવે છે અને જરુરી ફોર્મ ભરવાની વિધિ થાય છે.

બાળકને દત્તક આપતા પહેલા જે તે પરિવારની ચકાસણી કરવામાં આવે છે અને એ પછી વડોદરાની ચાઈલ્ડ વેલફેર કમિટિ લીલી ઝંડી આપે તે બાદ આગળની કાર્યવાહી થાય છે.

જે પરિવારે બાળકને ફોસ્ટર કેર સ્કીમ હેઠળ દત્તક લીધો હોય તેના ઘરની સમાજ સુરક્ષા સંકુલની ટીમ નિયમિત રીતે મુલાકાત લે છે અને તેની સાથે વાતચીત કરે છે.

બાળક કે પરિવાર બેમાંથી કોઈ પણ પક્ષ કોઈ પણ સમયે આ સ્કીમમાંથી નિકળી જવા માટે મુકત હોય છે. બાળક જ્યાં સુધી કોઈ પરિવારની સાથે રહેતુ હોય છે ત્યાં સુધી સરકાર દ્વારા દર મહિને તેને 6000 રુપિયાની સહાય કરવામાં આવે છે.

બાળક કોઈ પરિવારમાં દત્તક લેવાયા બાદ 18 વર્ષનો થાય તે પછી પરિવાર સાથે રહેવા કે નહીં રહેવાનો નિર્ણય લઈ શકે છે.જો તે પરિવાર સાથે ના રહે તો તેને 21 વર્ષ સુધી સમાજ સુરક્ષા સંકુલ સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપીને પગભર બનવા માટે મદદ કરે છે.

6 વર્ષમાં 48 બેસહારા બાળકો પગભર થયા

સમાજ સુરક્ષા સંકુલ દ્વારા 6 વર્ષમાં 48 બેસહારા બાળકોને ઉછરવામાં આવ્યા બાદ તેમને અલગ અલગ પ્રકારની તાલિમ આપીને પગભર બનાવાયા છે. આજે તેઓ નોકરી કરે છે અને સમાજમાં માનભેર જીવે છે. આ પૈકીના બે વ્યક્તિઓએ પોતાના ઘર લીધા છે. 2023-24માં અહીંયા રહીને પગભર થયેલા લોકોનો સરેરાશ પગાર દર મહિને 13000 રુપિયા હતો. બાળકોને કોમ્પ્યુટર ક્લાસ, કિચન ગાર્ડનિંગ,, મ્યુઝિક, સ્પોર્ટસ ઔએમ વિવિધ તાલીમ આપવામાં આવે છે. સંકુલમાં રહેતો એક બાળક તો હવે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.


Google NewsGoogle News