ચાંદીપુરા વાઈરસની સુરતમાં પણ એન્ટ્રી! પહેલો શંકાસ્પદ કેસ આવતા જ તંત્ર દોડતું થયું
Image: Envato Representative |
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો જણાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જોકે, સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
સુરતમાં ચાંદીપુરાથી સંક્રમિત થતા દર્દીઓ માટે વોર્ડ તૈયાર
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ચાંદીપુરા વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. અનેક જિલ્લામાં ઘણાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે, આ વાઈરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (માખી) જવાબદાર છે. આ સ્થિતિમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી સંક્રમિત થતા દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે શહેરના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સંધ્યા વિશાભર સિંગને તાવમાં ખેંચ આવી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ત્યાંથી શનિવારે (20મી જુલાઈ) વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કુપોષિત ગુજરાત: 5.70 લાખ બાળકો પોષણથી વંચિત, ચાંદીપુરાના સંક્રમણનું આ પણ એક કારણ
ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક વધીને 27 થયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના 9 કન્ફર્મ કેસ નોંધાયા છે. જ્યારે ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુઆંક વધીને 27 થયો છે.