અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: મિર્ઝાપુરમાં યુવક પર ફાયરિંગ, ઘટના CCTVમાં કેદ
Ahmedabad Crime News : અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાને હાથમાં લઈને એક યુવકે મિર્ઝાપુર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક વ્યક્તિ પર જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે, સમગ્ર ઘટના અંગેના દ્રશ્યો CCTV માં કેદ થતાં શાહપુર પોલીસે ફાયરિંગ કરનાર યુવક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાને ખોટી શીખ આપતા હોવાથી યુવકે ફાયરિંગ કર્યુ
મિર્ઝાપુર વિસ્તારમાં શાહજમાન પઠાણ નામના યુવકે જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર જાહેરમાં ફાયરિંગ કર્યુ હતું. જો કે, સદનસીબે ફાયરિંગમાં કોઈને જાનહાનિ પહોંચી ન હતી. મળતી માહિતી પ્રમાણે, પોતાના પિતાને ખોટી શીખ આપતા હોવાથી યુવકે જહાંગીર મુલ્લા પર ફાયરિંગ કર્યુ હતું. તેવામાં આખી ઘટનાને લઈને પોલીસ આગળ તપાસ કરી રહી છે.
વિસનગરમાં ગાડી પાર્ક કરવા મામલે યુવકને માર મારવામાં આવ્યો
રાજ્યમાં પોલીસ અને કાયદાનો જાણે ડર ના હોય એ રીતે લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે. બીજી તરફ, મહેસાણા જિલ્લાના અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. ત્યારે ઉંઝા અને મહેસાણા પછી વિસનગરમાં સામાન્ય ગાડી પાર્ક કરવા બાબતે કાર ચાલકે યુવકને માર માર્યો હતો. ઘટના અંગના દ્રશ્યો CCTV માં કેદ થયાં હતા, જેમાં વિસનગર શહેરમાં ગાડી પાર્ક કરવાની નજીવી બાબતે ભાવુ ઠાકોર નામના યુવકને માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, રોયલ જીમના માલિકે યુવકને માર માર્યો હોવાના યુવકે આક્ષેપ કર્યા હતા. જો કે, ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મારામારીના કિસ્સામાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.