અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ, મોકડ્રીલમાં ખપાવતા વાલીઓએ હોબાળો કર્યો ને ભાંડો ફૂટ્યો
Fire in Shanti Asiatic School : હજુ તો લોકો રાજકોટના ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ અને સુરતનો તક્ષશિલાની ઘટનાને ભૂલ્યા નથી, ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોકડ્રીલમાં ખપાવીને સમગ્ર મામલા પર પડદો પાડવા પ્રયત્નો કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું મસમોટી ફી વસૂલતી સ્કૂલમાં સેફ્ટીના મુદ્દાને લઇને હોબાળો મચાવ્યો હતો. જેના બાદ શાળા સંચાલકોની હરકતનો પર્દાફાશ થયો હતો.
બનાવની વાત કરવામાં આવે તો ગઇકાલે (ગુરૂવારે) સવારે શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલના ક્લાસરૂમના એસીમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. જેથી સ્કૂલ સ્ટાફે તેમને હોલમાં લઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું વિદ્યાર્થીઓની સેફ્ટીને લઇને સવાલો કર્યા હતા.
વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. સ્કૂલ દ્વારા મોટી ફી વસૂલવામાં આવે છે , ત્યારે બાળકો સેફ્ટીને લઇને વાલીઓએ હોબાળો મચાવ્યો છે.
તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોકડ્રીલમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલ અંગે વાલીઓને કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી.
શિક્ષકો ખોટું બોલે છે : વાલીઓ
મહત્ત્વનું છે કે, આજે જ્યારે વાલીઓએ સ્કૂલમાં જઈને હોબાળો મચાવ્યો ત્યારે સ્કૂલ તંત્રએ ગલ્લા તલ્લા કર્યા હતાં. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષકો ખોટું બોલે છે કે ખાલી સ્પાર્ક થયો હતો એમ. જો માત્ર સ્પાર્ક થયો હોય તો આટલો બધો ધુમાડો ન થયો હોય. વાલીઓએ આક્રોશ કાઢતા કહ્યું હતું કે સ્કૂલના સંચાલકો માત્ર પોતાના બિઝનેસનો વિચાર ન કરે, તેઓ બાળકોની સેફ્ટીનો પણ વિચાર કરે. અમે તમારી સ્કૂલમાં બાળકોને મરવા માટે નથી મોકલતા.
ભારે આનાકાની બાદ અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હોવાનો આક્ષેપ
વાલીઓ ડાયેક્ટરની ચેમ્બરમાં ઘૂસી જઇને હોબાળો મચાવતાં મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સ્કૂલમાં દોડી આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી રહી હતી, પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતાં સંચાલકો દ્વારા 5 વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતિ દર્શાવી હતી. જોકે વાલીઓની માંગ હતી કે જો મોકડ્રીલ હતી તો સીસીટીવીને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે. આખરે સંચાલકો વાલીઓની માંગ સામે ઝૂક્યા હતા અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા.
શાળા સંચાલકો જ્યાં સુધી ખુલાસો કરશે નહી ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલીશું નહી
સંચાલકો દ્વારા જાહેરમાં વાલીઓને સીસીટીવી ફૂટેજ બતાવ્યા બાદ વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સ્કૂલ માથે લીધી હતી. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા છે. આ મોકડ્રીલ નહી પરંતુ રીતસરની આગ લાગી હોવાનો બનાવ છે. જો આ મોકડ્રીલ હતી તો ફાયર બ્રિગેડ અને ડી.ઓ સ્ટાફ કેમ હાજર ન હતો. જ્યારે વાલીઓ દ્વારા કોડિનેટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વાલીઓના ફોન કટ કરી દઇને કેમ બ્લોક કરવામાં આવ્યા. આ સમગ્ર મામલે શાળા સંચાલકો જ્યાં સુધી ખુલાસો કરશે નહી ત્યાં સુધી અમે બાળકોના જીવ જોખમમાં મૂકી શાળાએ મોકલીશું નહી.