Get The App

BIG NEWS : કેડિલાના CMD રાજીવ મોદી સામે જાતીય સતામણીની ફરિયાદ, બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

હાઇકોર્ટે નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવ્યા

નીચલી કોર્ટે અરજી નામંજૂર કરતાં હાઇકોર્ટમાં રિટ કરી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News

BIG NEWS : કેડિલાના CMD રાજીવ મોદી સામે જાતીય સતામણીની ફરિયાદ, બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા 1 - image

અમદાવાદ,મંગળવાર

અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી તા.૪થી ડિસેમ્બરના રોજ મુકરર કરી હતી.

હાઇકોર્ટે નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવ્યાઃ યુવતીના કેસની વધુ સુનાવણીએ તા.૪થી ડિસેમ્બરે

અરજદાર યુવતી દ્વારા  કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. અરજદાર યુવતી તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તેણી ૨૦૨૨માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી. સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા. કંપનીના સીએમડીની સાથે કંપનીના જ અન્ય એક ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે. અરજદારે ફાર્મા કંપનીના સીએમડી અને આ અધિકારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

નીચલી કોર્ટે અરજી નામંજૂર કરતાં હાઇકોર્ટમાં રિટ કરી

અરજદાર યુવતી તરફથી આક્ષેપ કરાયો હતો કે, આ સમગ્ર પ્રકરણમાં તેણીએ નીચલી કોર્ટમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા માટે અરજી કરાઇ હતી. જો કે, તે અરજી કોર્ટે નામંજૂર કરી હતી. જો કે, અરજદારના વકીલ તરફથી આક્ષેપ કરાયો હતો કે, મહિલા પોલીસ મથકના એસીપી હિમલા જોષીએ તેણીની પાસે કેટલાક કાગળો પર સહીઓ લઇ લીધી હતી અને પછી એસીપીએ જણાવ્યું હતું કે, તેણીને સામાવાળા સામે વાંધો નથી, તેણી અરજી પાછી ખેંચે છે. જો કે, મહિલા એસીપીએ તેણીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને તેણીને સહીઓ કરાવી લઇ છેતરી છે. જો કે, આ અંગેના સીસીટીવી ફુટેજીસ કબ્જે કરવામાં આવે તો બધુ સ્પષ્ટ થઇ જાય તેમ છે.

યુવતીએ મહિલા આયોગ સહિતના સત્તાધીશો સમક્ષ અરજીઓ કરી પણ કંઇ ના થયુ

અરજદાર યુવતીએ રાજય મહિલા આયોગ, જુદા જુદા પોલીસ મથક સહિતના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા અંગેની અરજીઓ આપી હતી અને સાથે સાથે કોર્ટમાં સોગંદનામા સાથે ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જો કે, આજદિન સુધી તેની અરજીઓ પરત્વે કંઇ પરિણામ નહી આવતાં તેણીએ આખરે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.


Google NewsGoogle News