આજે દિવાળી : પ્રકાશનું પર્વ ઉલ્લાસપૂર્વક ઉજવવાનો થનગનાટ, શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન કરાશે
આજથી લાભ પાંચમ સુધી મિની વેકેશનનો માહોલ
છેલ્લી ઘડીની ખરીદી માટે મોડી રાત સુધી લોકો ઉમટી પડ્યા
Diwali Festival is celebrating in Gujarat : આસ્થા, ઉમંગ, આજના વ્યસ્ત જીવનમાં પરિવારના સદસ્યો-મિત્રો સાથે ગોષ્ઠી કરવાનો અવસર, સ્વાદનો શંભુમેળો આ તમામ લાક્ષણિક્તા જેનામાં છે તેવું પર્વ દિવાળી આજે ગુજરાતભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવાશે. ફટાકડા તેમજ મીઠાઇ દ્વારા તહેવારોના રાજા દિવાળીની ઉજવણી કરવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દિવાળી નિમિત્તે આજે શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન પણ કરવામાં આવશે.
આજથી લાભ પાંચમ સુધી મિની વેકેશનનો માહોલ
મોંઘવારી, સેન્સેક્સમાં અપ-ડાઉન, નોકરી-વ્યવસાયમાં પ્રતિસ્પર્ધા જેવી દ૨રોજની પળોજણમાંથી દિવાળીનો તહેવાર ‘પેઇન કિલર’ જેવી ભૂમિકા અદા કરતો હોય છે. આ વખતે દિવાળી બાદ બીજા દિવસે પડતર દિવસ છે અને મંગળવારે બેસતાં વર્ષની ઉજવણી થશે. દિવાળી માટે નવા વસ્ત્રો, ઘરના સુશોભનની ચીજવસ્તુ, મીઠાઇ, ફટાકડા ખરીદવા માટે મોડી રાત સુધી ધમધમાટ જોવા મળ્યો હતો. ઢાલગર વાડ, ત્રણ દરવાજા જેવા પૂર્વના વિસ્તારોમાં પગ મૂકવાની પણ માંડ જગ્યા મળે તેટલી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. બીજી તરફ મોલમાં પણ ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. અનેક મંદિરોને દિવાળી નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યા છે. ઘરની બહાર દીવડાપ્રકટાવીને પ્રકાશનું પર્વ ઉજવવામાં આવશે. અમદાવાદમાં અનેક દૂકાન, પેઢી આવતીકાલે ચોપડા પૂજન બાદ લાભ પાંચમ સુધી મિની વેકેશન પાળશે.