Get The App

ટ્રમ્પની ટીમ દ્વારા રસ્તામાં રોકી દસ્તાવેજોની ચકાસણી, ઘર-ઓફિસમાં ઘૂસીને ચેકિંગ કરાતા ભારતીયોમાં ફફડાટ

Updated: Feb 10th, 2025


Google News
Google News
ટ્રમ્પની ટીમ દ્વારા રસ્તામાં રોકી દસ્તાવેજોની ચકાસણી, ઘર-ઓફિસમાં ઘૂસીને ચેકિંગ કરાતા ભારતીયોમાં ફફડાટ 1 - image


Donald Trump Deportation Mission News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે ચૂંટણી પ્રચારમાં આપેલા વચન મુજબ ગેરકાયદે વસાહતીઓ પર તવાઈ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ઈમિગ્રેશન અધિકારીઓ કોઈના પણ ઘરમાં, ઓફિસોમાં ઘૂસીને તપાસ કરે છે. તેમને સંતોષકારક જવાબ ના મળે તો જે-તે વ્યક્તિની અટકાયત કરતાં પણ ખચકાતા નથી, જેને પગલે ગુજરાતીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. બીજીબાજુ ટ્રમ્પ સરકાર દ્વારા ડીપોર્ટેશનના ભયથી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથેની પાર્ટ-ટાઈમ નોકરીઓ છોડી રહ્યા છે. તપાસ એજન્સીઓ વારંવાર તેમના આઈડી ચકાસી રહી છે. 

અમેરિકા દાયકાઓથી યુવાનો વિશેષરૂપે ભારતીય યુવાનો માટે વૈશ્વિક સ્તરના શિક્ષણ અને ઊંચા પગારની તકો સહિત અનંત સંભાવનાઓની ભૂમિ રહી છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં આકરી ઈમિગ્રેશન નીતિ અપનાવવાના કારણે સેંકડો યુવાનો માટે તેમનું અમેરિકન સ્વપ્ન ચકનાચુર થઈ ગયું છે. વિઝા અરજીઓ નકારી કાઢવા સાથે કામના સ્થળે વારંવાર તપાસ અને અનિશ્ચિતતા વધવાને કારણે સેંકડો વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે નોકરીનો વિકલ્પ પડતો મૂકવો પડયો છે. તેઓ હવે પાર્ટ-ટાઈમ નોકરી છોડી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં અમેરિકન સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ઈશ્યુ કરવામાં આવતા એફ-૧ સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ડેટાના વિશ્લેષણ મુજબ જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે ૬૪,૦૦૮ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરાયા હતા, જે ૨૦૨૩માં સમાન સમયમાં ૧,૦૩,૪૯૫ વિઝાની સરખામણીમાં ૩૮ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ બાબત દર્શાવે છે કે વિદ્યાર્થીઓમાં પ્રમુખ તરીકે ટ્રમ્પના આગમન પહેલાં જ ડર છવાયેલો હતો. ટ્રમ્પ પ્રમુખ બનતાં વિદ્યાર્થીઓને હવે ડિપોર્ટેશનનો ભય સતાવી રહ્યો છે.

બીજીબાજુ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ઈલિયોનોઈસમાં રહેતા અને અવર-જવર કરતાં ગુજરાતીઓને ઈમિગ્રેશન અધિકારીઓ રસ્તામાં રોકીને પણ તેમના દસ્તાવેજો વિશે પૂછપરછ કરે છે, જેની ગંભીર અસર ભારતીયો અને ખાસ કરીને મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો પર પડી રહી છે. 

આ અંગે અમેરિકન સંવિધાન પ્રમાણે શું કરવું અને શું ના કરવું એ અંગેની માહિતી દરેક શહેરોમાં વસતા અને દરેક ગૂ્રપના ગુજરાતીઓએ બહાર પાડી છે.  ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા ૧૦૪ ગેરકાયદે ભારતીય વસાહતીઓને ડિપોર્ટ કરાયા અને વધુ ૬૮૭ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકવાની તૈયારી ચાલી રહી છે ત્યારે અમેરિકાના વિવિધ શહેરોમાં રહેતાં ગુજરાતીઓમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે તેવો ગભરાટ ફેલાયેલો છે.

હાલમાં ટ્રમ્પ સરકારના આવવા સાથે અમેરિકામાં ગમે ત્યાં ગમે તે કારણોસર ભારતીયોના વાહનો રોકવામાં આવી રહ્યા છે અને તેમને ડિટેઈન કરવામાં આવી રહ્યા છે. નોકરીઓના સ્થળે, બહાર અને ઘરે પણ અધિકારીઓ આવીને તપાસ કરી રહ્યા છે ત્યારે ત્યાંના સ્થાનિક ગુજરાતી સમાજના એટર્ની અમેરિકાના નાગરિક કાયદા પ્રમાણેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેથી ત્યાંના ડોક્યુમેન્ટેડ ભારતીયોને તકલીફ ના પડે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટા અભિયાનથી ભારતીયો વિશેષરૂપે ગુજરાતીઓમાં ગભરાટ ફેલાયો છે ત્યારે ટેક્સાસના સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ સલમાન ભોજાણીએ ગુજરાતીઓને સૂચનાઓ આપતી એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જે દરેક ગુજરાતીઓ તેમના ગૂ્રપમાં શૅર કરી રહ્યા છે.સલમાન ભોજાણીએ માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે ટ્રમ્પ સરકારના આધિકારીઓ આખા દેશમાં રેડ કરી રહ્યા છે. અમેરિકાના નાગરિક તરીકે દરેકને બંધારણીય અધિકાર મળેલા છે, જેમાં ટ્રમ્પ સરકાર હોય કે ગમે તે સરકાર હોય પણ નાગરિકના હકો તો સમાન રીતે મળેલા છે. પ્રમુખના બદલાવાથી અધિકારો બદલાતા નથી. તમને એ પણ ફરક નથી પડતો કે તમે અમેરિકન નાગરિક છો, ડોક્યુમેન્ટવાળા નાગરિક છો કે ડોક્યુમેન્ટ વગરના નાગરિક છો. આ ચાર બાબતો ધ્યાનમાં રાખવાની સૂચના સલમાન ભોજાણીએ તેમની માર્ગદર્શિકામાં આપી છે. 

કોઈ તમારો દરવાજો ખખડાવે તો તમારે દરવાજો ખોલવાની જરુર નથી. કોર્ટનો ઓર્ડર તપાસીને તમે અધિકારીને અંદર આવવાનું કહી શકો છો. કોઈ ગાડીમાં રોકે તો ડ્રાઈવરે લાઈસન્સ, રજીસ્ટ્રેશન અને ઈસ્યોરન્સ બતાવવું પડે છે. એના સિવાયના કાગળીયાની કોઈ જરુર રહેતી નથી. તમે હોસ્પિટલમાં છો તો ઈમર્જન્સી રૂમમાં તમારું ધ્યાન રાખવું પડે એ હોસ્પિટલની ફરજમાં આવે છે. તમને ઈમિગ્રેશન અધિકારીઓ પકડી લે તો તમે ચૂપ રહી શકો છો. તમારા એટર્નીના પૂછયા વિના કોઈ જ સાઈન કરવાની જરુર નથી.  

Tags :
Fears-over-Trump-teamConstant-checking-of-Indians-homes-offices

Google News
Google News