અમદાવાદમાં પિતાએ જ કરી 10 વર્ષના પુત્રની હત્યા, પાણીમાં ઝેરી પદાર્થ ભેળવી પીવડાવી દીધું
Ahmedabad Crime News: અમદાવાદમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બાપુનાગર વિસ્તારમાં રહેતા પિતાએ જ બાળકની સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દીધું હતું. જેના કારણે 10 વર્ષના માસૂમનું મૃત્યું નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, શહેરના બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષીય બાળક ઓમને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી હતી. પ્રાથમિક તપાસમાં આ માહિતી સામે આવી હતી. અમુક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
પત્ની મહેસાણા ગઇ અને પતિએ કર્યો ખેલ!
જોકે પોલીસના જણાવ્યા અનુસાર પત્ની મહેસાણા ગઈ હતી તે સમયે જ બાળકના પિતાને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. ત્યારે પિતાએ સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને તેના બાળકને તો પીવડાવી દીધું હતું. જેનાથી બાળકનું મોત નિપજ્યું. જોકે પોલીસનું એવું કહેવું છે કે બાળકને કોઈ બીમારી હોવાથી પિતા કંટાળ્યો હતો અને તેના કારણે જ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. તે પોતે પણ આ હત્યા બાદ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો પણ તેની હિંમત તૂટી ગઇ અને તે આ ઘોર પાપ કરી બેઠો.