ઓસ્ટ્રેલિયાના ઇન્વેસ્ટર વિઝા અપાવવાના નામે ૯૫ લાખ રૂપિયા પડાવી લેવાયા
ઓસ્ટ્રેલિયાથી જમીન ખરીદીના બનાવટી દસ્તાવેજ મોકલ્યા
જોધપુર અને ઓસ્ટ્રેલિયામાં રહેતા પિતા અને બે પુત્રો સામે ક્રાઇમબ્રાંચે ગુનો નોેંધ્યોઃઅનેક સાથે કરોડોની છેતરપિંડી
અમદાવાદ,રવિવાર
શહેરના ઇસ્કોન આંબલી રોડ પર આવેલા સંતુર બંગ્લોઝમાં રહેતા પંકજ પટેલ નામના વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં ઇન્વેસ્ટર વિઝાના નામે પરિવાર સાથે સેટ કરવાનું કહીને જોધપુર પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતા પિતા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રએ રૂપિયા ૯૫ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. ઇસ્કોન આંબલી રોડ પર આવેલા સંતુર બંગ્લોઝમાં રહેતા પંકજભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને ચિમનભાઇ પટેલ અને તેમના પુત્ર ભાવિન પટેલ તેમજ ચિમનભાઇના ઓસ્ટ્ેલિયામાં રહેતા મનીષ નામના પુત્ર સાથે પારિવારીક પરિચીત હતો. મનીષ જ્યારે ભારત આવતો ત્યારે પંકજભાઇને કહેતો હતો કે ઓસ્ટ્રેલિયામાં સેટલ થવુ સારૂ છે. જો ઇન્સ્વેસ્ટર વિઝાથી આવો તો પરિવારનો પણ સેટલ કરી શકાશે. જેથી તેમણે મનીષ પર વિશ્વાસ કર્યો હતો. જેથી ઓગસ્ટ-૨૦૨૧માં મનીષે જમીનના દસ્તાવેજ અને ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા અને જમીન ખરીદી માટે ૯૫ લાખ માંગ્યા હતા. જેમાંથી અડધા નાણાં મનીષે તેના પિતા ચીમનભાઇના એકાઉન્ટમાં જમા કરાવવાનું કહ્યું હતું. જેથી પકંજભાઇને શંકા જતા મનીષે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક નથી માટે અડધા નાણાં તેના પિતાના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર લેશે.
જેથી પકંજભાઇએ ૯૫ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. જેના બે મહિના બાદ મનીષે ઇ-મેઇલ દ્વારા જમીન ખરીદી અંગેના ધવલ શાહ સાથે થયેલી ડીલના અલગ અલગ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. પરંતુ, તેમાં સહી કે સ્ટેમ્પ નહોતા. જેથી મનીષે ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના પ્રાયવેસીના એક્ટના કાયદાને કારણે તે ઓરીજીનલ ડોક્યુમેન્ટ કુરીયર કરી શકશે નહી. જેથી આ બાબતે શંકા ઉપજતા તપાસ કરાવતા તમામ દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહી ૯૫ લાખની રકમ પૈકી નાંણા ચિમનભાઇએ તેમના અન્ય પુત્ર ભાવનના બેંક એકાઉન્ટમાં ટન્સફર કરી હતી.આમ, છેતરપિંડી થતા પંકજભાઇએ નાણાં પરત માંગ્યા હતા. જે પરત ન થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.