રાજ્યના અનેક માર્કેટ યાર્ડ આજથી થયા ધમધમતા, વેપારીઓ-ખેડૂતોએ કર્યું લાભ પાંચમનું મુહૂર્ત
Market Yards Resume Functioning On Labh Pancham: લાભ પાંચમ (છઠ્ઠી નવેમ્બર)ના દિવસે પૂજા કરવાથી સાધકને વેપાર વગેરેમાં લાભ થાય છે. આજના દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. ત્યારે દિવાળીની રજાઓ બાદ આજથી રાજકોટ, મોરબી, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા છે. જ્યાં મગફળી, કપાસ અને સોયાબીન જેવી અન્ય જણસીની આવક શરૂ થઈ છે.
બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ
લાભ પાંચમના શુભ મુહૂર્તમાં આજથી રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ શરૂ થયો હતો. આજે પહેલા દિવસે જ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ હતી. આજે 1 લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ હતી અને 1250 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. જો કે, ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી હતી.
મોરબી માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું
લાભ પાંચમના શુભ દિવસે મોરબી માર્કેર્ટ યાર્ડ ફરી ધમધમતું થયું છે. આજે વધુ આવક કપાસની થઈ હતી. મગફળી, બાજરો, એરંડા, તલ, ચણા, સોયાબીન વગેરેની પણ આવક થઈ છે. આજે 11,060 મણ કપાસની આવક થઈ હતી, જેના 1300થી 1550 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત 2875 મણ મગફળીની આવક થઈ હતી, જેનો 840થી 1256 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.
તમિલનાડુથી વેપારી મગફળીની ખરીદી કરવા આવે છે
દિવાળીના મિની વેકેશન બાદ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં 345થી વધુ વાહનોમાં મગફળી સહીત જુદી જુદી જણસીની આવક શરૂ થઈ છે. મંગળવારથી યાર્ડ ખાતે મગફળી લઈને ખેડૂતો આવ્યા હોવાથી દોઢ કિ.મી. લાંબી કતાર જોવા મળી હતી. જેમાં આ વખતે ખેડૂતોને 66 નંબરની મગફળીનો ભાવ 2100 રૂપિયા મળ્યો છે. આ યાર્ડ ખાતે તમિલનાડુથી મગફળીની ખરીદી કરવા માટે વેપારીઓ આવે છે.
આ પણ વાંચો: 'જેના ઘર પર બુલડોઝર ફેરવ્યું તેને 25 લાખ વળતર આપો...' યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
લાભ પાંચમના દિવસે પોરબંદરના માર્કેટ યાર્ડમાં જણસીની આવક જોવા મળી હતી. ત્યારે આજે મગફળીના ભાવ 1000થી 1100 રૂપિયા જેવો મળ્યો છે. હજુ આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે, ભાવમાં પણ ભાવ વધારો જોવા મળશે. નોંધનીય છે કે, ખેડૂતોને મગફળીની ગુણવત્તા મુજબ ભાવ પણ સારા મળ્યા છે.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની 15 હજાર જેટલી બોરીની આવક
હિંમત નગર માર્કેટ યાર્ડ ખાતે ઘણાં સમથી મગફળીની આવકની શરૂઆત થઈ હતી. પરંતુ દિવાળીના તહેવારોને લઈ સાત દિવસ માર્કેટ બંધ થતાં આજે (છઠ્ઠી નવેમ્બર) લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ફરી ખરીદીની શરૂઆત થઈ હતી. ત્યારે મગફળીની 15 હજાર જેટલી બોરીની આવક થઈ હતી અને 1200થી 1400 સુધીના પ્રતિ મણે ભાવ બોલાયો હતો.
સોયાબીનના 850થી 910 ભાવ બોલાયા
લાભ પાંચમના શુભ દિવસે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરવામાં આવી છે. પહેલા દિવસે જ મગફળી અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ હતી અને હરાજી કરવામાં આવી હતી. સોયાબીનની 10 હજારથી વધુ કટ્ટા અને મગફળીની 1500 થી વધુ ગુણીની આવક થઈ છે. જેમાં સોયાબીનના 850 થી 910 ભાવ બોલાયા હતા તો મગફળી ના પણ સારા ભાવ રહ્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ફિલ્મી સ્ટાઇલમાં 3 રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, કાયદો અને વ્યવસ્થા કથળી
સાવરકુંડલા યાર્ડમાં ચણાના ભાવમાં વધારો
અમરેલીના સાવરકુંડલા માર્કેટ માં હરાજીનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડમાં ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચણાનો ભાવ 1,000થી 1,561 રૂપિયા બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં 40 મણની આવક નોંધાઈ હતી. જ્યારે મગફળીના એક મણના 1251 રૂપિયા અને કપાસના એક મણના 1570 રૂપિયા ભાવ રહ્યા હતા. નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
મહેસાણા માર્કેટ યાર્ડ જણસીઓની આવક
દિવાળીના વેકેશન બાદ મહેસાણા માર્કેટ યાર્ડ જણસીઓની આવકથી ધમધમતું થયું છે. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 236 બોરીની આવક નોંધાઈ હતી. એરંડાની આવકમાં દિવાળીના તહેવારો પછી ઘટાડો નોંધાયો છે, જેનો નીચો ભાવ રૂપિયા 1268 અને ઊંચો ભાવ 1292 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. જ્યારે રાયડાની 34 બોરીની આવક જોવા મળી હતી. રાયડાની આવકમાં આજરોજ ઘટાડો નોંધાયો છે, જેના ભાવ 1075થી 1172 રૂપિયા પ્રતિ મણ રહેવા પામ્યો હતો. નોંધનીય છે કે, આજે ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ અર્થે લઈને આવ્યા હતા.
અરવલ્લીમાં બટાટાની વાવણી શરૂ
ચોમાસા પછી શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં લાભ પાંચમથી ખેડૂતોએ બટાટાની વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં જિલ્લામાં આશરે 60થી 70 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.