પોરબંદરનો કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા જામીન પર મુક્ત, શુક્રવારે થઈ હતી ધરપકડ
Bhima Dula Bail Granted: પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા આડેદરા સહિત ચાર શખસોની પોલીસે મારામારીના કેસમાં ધરપકડ કરી હતી. શુક્રવારે વહેલી સવારે દરોડા પાડી આરોપીઓ સાથે મોટા પ્રમાણમાં ધોકા, તલવાર, ભાલા, લાકડી, રાયફલ, પિસ્તોલ સહિત 70થી વધુ જીવલેણ હથિયારો અને 91 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આજે આ કુખ્યાત આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના રિમાન્ડ માગ્યા હતાં, પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. જ્યાર ભીમા દુલાના વકીલે કરેલી જામની અરજી પર સૂનાવણી કરવામાં આવી હતી. જેમાં ભીમા દૂલાને 20 હજારના બોન્ડ પર જામીન આપી મુક્ત કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર કેસ
ગુરૂવારે (17 ઓક્ટોબર) પોલીસે બે આરોપી જયપાલ અને વનરાજ ઓડેદરાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જે અનુસાર, કથિત રીતે બોરિચા ગામના ભીમા દુલાના કહેવાથી ગુનાને અંજામ આપ્યો હતો. ભીમા દુલાના ઘરે 14 વર્ષથી કામ કરતા રામનાથ મેઘનાથી અને ફરિયાદી દાના પુના અને તેના સંબંધીઓ સાથે ત્રણેક મહિના પહેલા મોટર સાયકલ ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. જે ઘટનાની જાણ રામનાથે ભીમા દુલાને કરતા તેમણે બે જેટલી ગાડીઓ લઈને બોરિચા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ફરિયાદીના કુટુંબીજનોને ધાકધમકી આપી હતી. આમ, છેલ્લા બે મહિનાથી ભીમા દુલાને બોરિચા ગામના રબારી પરિવાર સાથે માથાકુટ ચાલતી હતી. જેને લઈને આજથી 20 દિવસ પહેલા તેને ત્યાં કામ કરતા જયપાલ, મશરી લખમણ, વનરાજ ઓડેદરાને સૂચના આપી હતી કે ફરિયાદી દાના પુના પર ધ્યાન રાખો અને મોકો મળે એટલે તેને મારવાનો છે. ત્યારે ગત 24 તારીખે દાના પુના ઢોર ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન આ શખસોએ ધસી જઈને કોદાળીથી ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેને લઈને ફરિયાદીને ફેક્ચર થયું હતું.
દરોડામાં મોટા પ્રમાણમાં મળ્યાં જીવલેણ હથિયાર
શરૂઆતમાં આ ગુનામાં અજાણ્યા શખસો હતા. પરંતુ સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી. ત્યારબાદ ભીમા દુલાને ત્યાં રેડ કરવામાં આવી. રેડ દરમિયાન ફાર્મ હાઉસ પર ખુબ જ મોટા પ્રમાણમાં જીવલેણ હથિયાર, લાઈવ કાર્ટિસ, દારૂની બોટલ, ચાર જેટલા ફાયર રાઉન્ડ્સ મળી આવ્યા.
આ પણ વાંચોઃ 'ઈકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરો નહીં તો હું દેહ ત્યાગ કરીશ', AAPના નેતાની સરકારને ચિમકી
48થી વધુ ગુના દાખલ
ભીમા દુલા વિરૂદ્ધમાં પોરબંદર જિલ્લામાં કુલ 48 ગુના દાખલ થયેલા છે. વર્ષ 1975થી લઈને 2011 સુધીમાં હત્યાના 3 ગુના, હત્યાના પ્રયાસના 4 ગુના, 324-325ના ગંભીર ઈજાના 9 ગુના, ટાડાના 4 ગુના, હથિયાર ધારાના 7 ગુના નોંધાયેલા છે. જોકે, 2011 બાદ ગુનો દાખલ થયેલો નથી. હાલના ગુનામાં તેની સંડોવણી સામે આવતા અમે ધરપકડ કરી છે. અગાઉના કેસ અંગે તપાસ કરી રહ્યા છીએ. ઉપરોક્ત તમામ માહિતી જિલ્લા પોલીસ વડાએ આપી છે.