ભેંસ દોહતી અભણ મહિલામાંથી રૂપેરી પડદા સુધીનું મારું ટર્નિંગ, બહુ મોટી ઘટના છે : હાસ્ય કલાકાર જસ્સીદાદી
રોજ સવારે પોતાના ટુચકાથી મશહૂર જસ્સીદાદીનો જુસ્સો વિશ્વ મહિલા દિવસે અનોખો સંદેશ પાઠવે છે
અમદાવાદ,તા.18 માર્ચ 2024,શુક્રવાર
'મારું ભણતર માત્ર છ ધોરણ સુધીનું. એટલે આમ તો હું અભણ જ કહેવાઉં. કેટલાંક વર્ષો પહેલાં ગામડે ઢોર-ઢાંખર અને છાણ-વાસીદા કરવા એ મારો નિયમિત જીવનક્રમ હતો. પરંતુ મારા એકના એક દીકરા મેહૂલના અવસાન પછી મેં મારી દિશા બદલી. રડતાં રડતાં દિવસો ના જાય. એટલે જ મેં હસાવવાનું શરુ કર્યું. ઘણાં પુરુષ હાસ્ય કલાકારો સ્ત્રીઓની મજાક ઉડાવતા થાકતા નથી પરંતુ મહિલા હાસ્ય કલાકાર તરીકે મે મારી જાતની જ મજાક કરી છે અને એ લાખો લોકોને પસંદ આવી. જીવનના નાના નાના ટૂચકા ઘણાં તાકાતવાળા હોય છે. આ જીવનના નાના નાના ટૂચકાએ મારા મારા માટે બોલિવુડના દ્વાર ખોલી દીધા. હિન્દી ફિલ્મ 'સત્ય પ્રેમ કી કથા'માં મને કામ મળ્યું. તેમાં કાર્તિક આર્યન પણ મને શૂટિંગ પછી દાદી કહીને બોલાવે છે. મારા દીકરા મેહૂલના ગયા પછી મારા હાસ્ય થકી મને અનેક દીકરાઓ મળ્યા છે. માત્ર પોઝીટિવ થિંકિંગ અને હાસ્યરસથી હું અનેક લોકોને જાણે અજાણે પીડામાંથી બહાર લાવું છું.'
આ શબ્દો છે જસ્સીબેન ઉર્ફે જસ્સી દાદીના જેમના લાખો વ્યૂઅર્સ, ફોલોઅર્સ અને ચીઅરર્સ તેમના રોજબરોજના ટૂચકાની રાહ જોવે છે. સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓને ત્યાંથી તેમને આવવાનું આમંત્રણ મળે છે કારણ કે તેમની હાજરી માત્રથી આખો માહોલ હાસ્યની છોળોથી ઊભરાય છે. જસ્સી દાદી કોઈપણ વસ્તુ કે વ્યક્તિ સામે બે ઘડી જોઈને તેમાંથી હાસ્યનું તત્ત્વ કાઢી શકે છે.
ગામ છોડીને જસ્સીબેન જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ઘર ચલાવવા માટે મકાનની બ્રોકરશીપનું કામ ચાલું કર્યું. જ્યારે જ્યારે તેમને સમય મળે ત્યારે તે પોતાની દીકરી જાનકી સાથે બેસીને અવનવા ટૂચકાઓ શૂટ કરતાં. આજે જસ્સીબેન આઈએમડીબીના લીસ્ટમાં આગળ વધી રહ્યા છે જે એ સિદ્ધી જ કહી શકાય.
પોતાના આવા અચાનક ટર્નિંગ પોઈન્ટ વિશે જસ્સીબેન કહે છે કે વર્ષો પહેલાં જ્યારે હું મારો દિવસ ગામડામાં ગાળતી ત્યારે મારું મુખ્ય કામ એક ગ્રામીણ ગૃહિણીનું હતું. મેં હિંમત એકઠી કરીને દીકરી સાથે અમદાવાદ આવવાનું નક્કી કર્યું. અહીં શું કરીશ એ ખબર ન હતી ત્યારે મકાનની બ્રોકર બની. બધે પૂછી પૂછીને જાઉં. નવરાશ મળે એટલે સોશ્યલ મીડિયામાં નક્કી કરેલો સમય આપતી. જેના કારણે આજે મને અઢળક ગુજરાતી ફિલ્મો સાથે હિન્દી ફિલ્મોમાંથી પણ ઈન્કવાયરી આવવા લાગી છે. મારું આ પ્રકારનું ટર્નિંગ મારા આત્મવિશ્વાસથી આવ્યું.
તેઓ ઉમેરે છે કે 'આજે લોકો મને જોતાં જ હસી પડે છે. તો મને આ કાર્ય પુણ્યકર્મ જેવું લાગે છે. એક મધ્મમ વયની સ્ત્રીને અભ્યાસ વગર કોણ કામ આપે ? પણ મેં મારો રસ્તો જાતે કંડાર્યો.