બકરી ઈદ ઉજવવા પરિવાર મુંબઈથી અમદાવાદ આવ્યો, રેલવે સ્ટેશન પર જ 6 લાખની મત્તા લૂંટાઈ
2.40 લાખ રોકડા તથા 3.60 લાખના સોનાના દાગીનાનું પર્સ ઝૂંટવીને બાઈક ચાલકો ફરાર થઈ ગયા
કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
pixabay |
અમદાવાદઃ શહેરમાં મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના બનાવોમાં વધારો થયો છે. તે ઉપરાંત ચોરી અને ઘરફોડના બનાવો પણ બેફામ પણે વધી રહ્યાં છે. શહેરમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોને લૂંટી લેતી ગેંગ હવે પોલીસ માટે પણ માથાનો દુઃખાવો બની છે. શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસીને જઈ રહેલ મહિલા મુસાફરની 6 લાખની મત્તા ભરેલી બેગ ઝૂંટવીને મોટર સાયકલ પર આવેલા બે શખ્સો ફરાર થઈ ગયાં હતાં. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈથી અમદાવાદ આવ્યા અને લૂંટ થઈ
મુંબઈમાં રહેતા નુરમોહમ્મદે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં મકાન ભાડે રાખીને અવારનવાર તહેવારની ઉજવણી માટે મુંબઈથી આવીએ છીએ. બકરી ઈદ હોવાથી મુંબઈથી અમદાવાદ આવ્યા હતાં.ગત 26 તારીખે હું તથા મારી પત્નિ શકીનાબીબી બકરી ઇદનો તહેવાર ઉજવવા અમદાવાદ આવવા નીકળ્યા હતાં અને ઘરેથી 2.40 લાખ રોકડા તથા મારી પત્નિના સોનાના દાગીના એક કાળા કલરના બેગમાં તથા પહેરવાના કપડા બીજી બે બેગમાં મુકીને બોમ્બે સેન્ટ્રલથી દુરન્તો ટ્રેનમાં બેસીને અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે સવારના સાડા પાંચેક વાગે પહોંચ્યા હતા. રેલ્વે સ્ટેશનની બહાર આવતા મારા સાઢુભાઇ મોહંમદરફીક શેખ અમને લેવા આવ્યા હતા. અમે એક ઓટોરીક્ષા કરીને સલાપસ રોડ, કુઝા ફરોઝ બિલ્ડીંગ ખાતે જવા નિકળ્યા હતાં.
રિક્ષામાં બેઠેલી મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું
મારા સાઢુભાઇ ઓટોરીક્ષાની આગળ પોતાનુ સ્કુટર લઇને જતા હતા દરમ્યાન કેલીકોડોમ રેમન્ડ શો-રૂમ પાસેથી પસાર થતા હતા તે વખતે એક ટુ વ્હીકલ ચાલક અમારી ઓટોરીક્ષા પાસે આવેલ અને તે ટુ વ્હીકલમાં પાછળ બેસેલ ઇસમે એકદમ મારી પત્નિના હાથમાં રહેલ કાળા કલરના બેગને ઝુંટવી ભાગવા લાગેલ જેથી અમોએ બુમા બુમ કરી ઓટોરીક્ષા ચાલકને પોતાની ઓટોરીક્ષા ટુ વ્હીકલ પાછળ ભગાવવાનુ કહેતા તે ઓટોરીક્ષા પાછળ ભગાવવા લાગેલ પરંતુ તે બન્ને ઇસમો પોતાનુ ટુ વ્હીકલ પુરઝડપે ચલાવી ક્યાંક જતા રહેલ હતા જેઓની અમોએ આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા તે મળ્યો નહોતો.
3.60 લાખના દાગીના તથા રોકડા 2.40 લાખ લઈ ફરાર
મારી પત્નિની કાળા કલરની નાની બેગમાં 5 તોલા વજનનો સોનાનો નેકલેસ પેંડલ સાથે, આશરે 3 તોલા વજનનો સોનાનો ફિરોઝા સેટ બે ઇયરીંગ સાથે, આશરે 5 ગ્રામ વજનની સોનાની ડાયમંડ રીંગ તથા સોનાની ગ્રીન એમ્બુલ્ડ પથ્થરની ઇયરીંગ આશરે 2 ગ્રામ વજનની તથા સોનાના કાનના ઝુમખાં આશરે 3 ગ્રામ વજનના સોનાની ફિરોઝા વીંટી આશરે ૩ ગ્રામ વજનની, સોનાની અમેરીકન ડાયમંડની વીંટી આશરે ૩ ગ્રામ વજનની તથા સોનાનુ પેંડલ ત્રણ શેર વાળુ આશરે ૩ ગ્રામ વજનનુ જે તમામ સોનાના દાગીના આશરે 90 ગ્રામ વજનના જેની આશરે કુલ 3.60 લાખ તથા રોકડા 2.40 લાખ તેમજ મારી પત્નિનો વીવો કંપનીનો મોબાઇલ ફોન તથા મારૂ આધાર કાર્ડ તથા મારી પત્નિનુ આધાર કાર્ડ, પાનકાર્ડ તથા ઘરની ચાવીઓ વગેરે હતું. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.