નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલનો થયો પર્દાફાશ
Fake school in Rajkot: ગુજરાતમાં નકલી અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું, નકલી ઘી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલ ચાલુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટમાં કોઈપણ માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્કૂલને લઈને અનેક ચોંકવાનારા ખુલાસા થયા છે.
સ્કૂલ દુકાનમાં ચાલતી હતી
રાજકોટમાં કુવાડવા તાલુકામાં આવેલા માલિયાસણ પીપળીયા ગામમાં જે પ્રિ-પ્રાયમરી સ્કૂલ પકડાય છે તે એક, બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. તેમ છતાં શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું ન હતું. ત્યારે હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. દૂકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વગર જ ગૌરી પ્રિ-પ્રાયમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા. જો કે આ સ્કૂલ સંચાલક આર.સી ધડુકે સ્કૂલ નહીં પણ ટ્યુશન ક્લાસ હોવાની વાત કહી છે. જો કે સ્કૂલના નકલી પરિણામ પર તેને કોઈ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો : જયેશ બોઘરા બન્યા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન
આ રીતે સમગ્ર ભાંડો ફૂટ્યો
સૂત્રો પાસેથી એવી પણ વિગતો સામે આવી છે કે સ્કૂલમાં પહેલા ધોરણથી 10 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીએ લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે શાખ બચાવવા માટે તાત્કાલિક દોડી ગયા હતા અને સ્કૂલને સીલ કરી દીધી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતી મૂળના શિવાની બ્રિટનની સામાન્ય ચૂંટણી જીત્યાં