નકલી જજ મોરીસે જેમની તરફેણમાં ખોટા ચુકાદા આપ્યા હતા એમના વિરૂદ્ધ પણ થઈ કાર્યવાહી, ફટકાર્યો દંડ
Fake Judge Morris Samuel Christian Case : ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે આરોપીએ અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા. જેને લઈને કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને 50,000નો દંડ ફટકાર્યો, જ્યારે સમગ્ર મામલે કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો.
અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં નકલી ઓર્ડર-ચુકાદા
નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં નારોલ શાહવાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતની પાંચ જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા હોવાની માહિતી છે. તેણે લવાદ તરીકે ખોટો ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે.
વર્ષ 2019માં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ - શાહવાડી મોજે સર્વે નંબર 102, 107, 117, 118 અને 138 એમ કુલ પાંચ જમીનોમાં તેણે લવાદ તરીકે ખોટા ઓર્ડર કર્યા છે. આ 5 સર્વે નંબરની જમીનમાં અરજદાર તરીકે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરના નામ છે. એટલે કે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નાણાં લઈને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં ચુકાદા આપ્યાં હતા.
નકલી જજ મોરીસ વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ
અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યું કે, નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ-શાહવાડીની અમદાવાદ મહાનગરપાલિકાની 5 સર્વે નંબર વાળી જમીનોમાં જેના તરફી નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા, તેને લઈને AMCએ કેસ કર્યો હતો.
જેમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપી વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને કોર્ટે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે.