નકલી જજ કેસમાં મોટો ઘટસ્ફોટ, મોરિસ કોઈપણ રાજ્યની બાર કાઉન્સિલમાં રજિસ્ટર્ડ વકીલ નથી
Fake Judge Case: નકલી જજ અને કોર્ટ ઉભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યકિતઓને પધરાવી દેવાના કૌભાંડમાં પકડાયેલા નકલી જજ મોરિસ સેમ્યુલ ક્રિશ્વિયનને કારંજ પોલીસે આજે ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં તેણે પોલીસને તેને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી કોર્ટે આરોપી મોરીસ ક્રિશ્વિયનને સાબરમતી જેલમાં મોકલી આપી સારવાર માટે હુકમ કર્યો હતો અને આજે મેડિકલ રિપોર્ટ રજૂ કરવા પોલીસને જણાવ્યું હતું.
રિપોર્ટ બાદ કોર્ટ દ્વારા મોરીસ ક્રિશ્વિયનના રિમાન્ડની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. બીજીબાજુ, બહુ ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, મોરીસ ક્રિશ્વિયન પાસે વકીલાતની કાયદેસરની કોઇ જ ડિગ્રી જ નહી હોવાછતાં તે છેલ્લા 25-30 વર્ષોથી વકીલ તરીકે ગેરકાયદે રીતે પ્રેકટીસ કરે છે.
આ પણ વાંચો: આખી નકલી કોર્ટ બનાવીને બેઠેલા 'નકલી જજ'ને અસલી જજ સામે રજૂ કરાયા, તો આરોપીએ પોલીસ સામે જ કરી દીધી ફરિયાદ
કાયદેસર વકીલ જ નથી તો જજ કેવી રીતે.. છતાં વર્ષોથી વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે અને જજ બની ચુકાદા આપી રહ્યો હતો
નકલી જજ અને નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયન અગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ મોટો ખુલાસો કર્યો હતો કે, મોરીસ ક્રિશ્વિયને ગુજરાત બાર કાઉન્સીલના રોલ પર નોંધાયેલ વકીલ જ નથી. અગાઉ મોરીસે જયારે બાર કાઉન્સીલમાં સનદ મેળવવા માટે જૂલાઇ-2007માં અરજી કરી ત્યારે ગુજરાત બાર કાઉન્સીલે મોરીસે તેના પ્રમાણપત્રોનું વેરીફિકેશન કરાવ્યું હતું અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પાસેથી ખરાઇ કરાવી હતી.
જેમાં ખુદ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ જ ડિસેમ્બર-2007માં જણાવ્યું હતુંકે, મોરીસ ક્રિશ્વિયન સનદ મેળવવા માટેની લાયકાત કે યોગ્યતા ધરાવતા નથી. એ પછી બાર કાઉન્સીલ તરફથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મોરીસ ક્રિશ્વિયન વિરૂઘ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરતાં ક્રાઇમબ્રાન્ચને તપાસ પણ સોંપાઇ હતી.
આ પણ વાંચો: અમદાવાદ: કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ, નકલી જજ કરતો હતો બોગસ હુકમ
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોરીસે ખુલાસો કર્યો હતો કે, તેણે 2002માં અખિલ ભારતીય શિક્ષા સંસ્થા, નવી દિલ્હી ખાતેથી એલએલબીની ડિગ્રી મેળવી હતી અને અગાઉ બી.કોમ પણ આ જ યુનિવર્સિટીમાંથી કર્યું હતું અને તે ઇન્ટરનેશનલ બાર કાઉન્સીલનો સભ્ય છે, તેથી ક્રાઇમબ્રાન્ચે ગુજરાત બાર કાઉન્સીલનો અભિપ્રાય પણ માંગ્યો હતો કે, શું આ મોરીસ ક્રિશ્વિયન કાયદેસર વકીલ છે અને શું ઇન્ટરનેશનલ બાર કાઉન્સીલનો સભ્ય હોય તો તે અહીં વકીલાત કરી શકે..?
જેથી બાર કાઉન્સીલે સ્પષ્ટ કર્યુ હતુંકે, મોરીસ ક્રિશ્વિયન દેશના કોઇપણ રાજયની બાર કાઉન્સીલમાં સભ્ય નથી અને તે ગુજરાતમાં પણ રોલ પર નોંધાયેલ વકીલ નથી કે તેને કોઇ કાયદેસર સનદ આપવામાં આવી નથી. મોરીસ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોવાનો દાવો કરે છે તે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત જ નથી.
બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું કે, ઇન્ટરનેશનલ બાર કાઉન્સીલના સભ્યપદના ઓઠા હેઠળ કોઇપણ વ્યકિત દેશની કે રાજયની કોઇપણ અદાલતમાં પ્રેકટીસ કરી શકે નહી. મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને છેલ્લા 25-30 વર્ષોથી ગેરકાયદે રીતે વકીલાતની પ્રેકટીસ કરી રહ્યો છે અને તેની વિરૂઘ્ધ બાર કાઉન્સીલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદનો કેસ હાલ પુરાવાના સ્ટેજ પર ગ્રામ્ય કોર્ટમાં પડતર છે.
મને આરોપી તરીકે ના સંબોધો, હું હજુ પણ આર્બીટ્રેટર જજ છું
આજે પોલીસે જયારે આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે પણ આરોપી એવી જજ તરીકેની પોતાની ડંફાશ મારવામાંથી બહાર નહોતો આવ્યો. તેણે કોર્ટમાં જણાવ્યું કે, મને આરોપી તરીકે ના સંબોધો. હું હજુ પણ આર્બીટ્રેટર જજ છું. મારી પાસે ડિગ્રી છે. પોતાની પાસે કોઇ જ કાયદેસર સનદ નહી હોવાછતાં મોરીસે પોતાનો જજ અને વકીલ હોવાનો દાવો હજુય ચાલુ રાખ્યો હતો.
પોલીસે મને લાફા મારી ગુનો કબૂલ કરવા મજબૂર કર્યો છે : મોરીસ
મોરીસ ક્રિશ્વિયને કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે, પોલીસે તેને લાફા મારી ગુનો કબૂલ કરવા બળજબરી કરી હતી. જેમાં એના નંબરના ચશ્મા પણ તૂટી ગયા હતા. પોલીસે તેને પાંસળીના ભાગે લાતો મારી અને જાંઘ પર પટ્ટા વડે માર માર્યો છે, તેની સારવાર કરાવવી જોઇએ. જો કે, તે તપાસમાં સહકાર આપવા તૈયાર છે. તેની રજૂઆત બાદ કોર્ટે મેડિકલ રિપોર્ટ મંગાવતો હુકમ કર્યો હતો.
મોરીસ ક્રિશ્વિયનની છેતરપિંડીનો ભોગ અનેક લોકો બન્યા છે
વર્ષ 2015માં પણ શહેરના ડ્રાઇવઇન રોડ વિસ્તારમાં હિમાલયા મોલ પાસે મારૂતિ ટાવરમાં રહેતા એક પીડત દ્વારા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયન વિરૂઘ્ધ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે, મોરીસ ક્રિશ્વિયન ગાંધીનગરમાં કોલાવડા રોડ, સેકટર-24 ખાતે નકલી આર્બીટ્રેશન ટ્રિબ્યુલન ઉભી કરી નકલી આબીટ્રેટર જજ બની તેમની પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા. તે રકમ પરત અપાવવા અને મોરીસ ક્રિશ્વિયને આ પ્રકારે અનેક લોકોને નકલી જજના નામે છેતર્યા હોઇ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી.
ગાંધીનગર કોર્ટમાં પણ આ પ્રકારનો કેસ મોરીસ વિરૂદ્ધ ચાલી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયના અનેક લોકો મોરીસ ક્રિશ્વિયનની છેતરપીંડીનો ભોગ બન્યા છે અને જુદી જુદી કોર્ટોની તેની સામે કેસો થયેલા છે.
ગાંધીનગર પ્રિન્સીપાલ જજના નામનો બોગસ પરિપત્ર બનાવ્યો હતો
નકલી જજ મોરીસ ક્રિશ્વિયને તા.5 જાન્યુઆરી 20215માં ગાંધીનગરના પ્રિન્સિપાલ જજના નામનો બોગસ પરિપત્ર બનાવ્યો હતો. જેમાં સિવિલ પ્રોસીઝર કોડની કલમ 89 મુજબ દરેક કોર્ટ સિવિલ દાવાઓમાં સમાધાનની પ્રક્રિયા માટે મોરીસને આર્બીટ્રેશન કાઉન્સીલર તથા મીડિએશન એક્સપર્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત તે પરિપત્રની નકલ ગાંધીનગર જિલ્લાની તમામ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો.
મોરીસ પાસેથી નવ બોગસ પાસપોર્ટ અને બનાવટી વિઝા મળ્યા હતા
અગાઉ વર્ષ 2006માં શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનની ધરપકડ કરાઇ હતી. બનાવટી વિઝા પ્રકરણમાં મોરીસની આકરી પૂછપરછ અને તપાસ દરમ્યાન તેની પાસેથી 9 જેટલા બોગસ પાસપોર્ટ અને બનાવટી વિઝા કાંડ જોઇ ખુદ ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.