Get The App

અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા 1 - image


Fake Three Star Hospital in Naroda:  ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, નકલી કચેરી, ટોલનાકા, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે અમદાવાદમાંથી તબીબો વગર ચાલતી આખેઆખી હોસ્પિટલ ઝડપાઇ છે. શહેરના નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગર થ્રી સ્ટાર હોસ્પિટલનું સંચાલન ચાલતું હતું. એટલું જ નહી બોગસ ડૉક્ટરે એ.એમ.સી.નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને છેતરપિંડી આચરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. વીમા કંપનીના ચાર અલગ-અલગ દર્દીઓની સારવારના ખોટા સર્ટિફિકેટ બનાવ્યા હોવાથી વીમા કંપનીએ તપાસ શરૂ કરી તો ભાંડો ફૂટ્યો હતો. આરોપી અન્ય ડૉક્ટરના નામે દર્દીઓની સારવાર કરતો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડનો પર્દાફાશ બાદ હવે આ નકલી હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નકલી હોસ્પિટલમાં બધુ જ નકલી

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નરોડા વિસ્તારમાં ધમેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામના વ્યક્તિએ બોગસ ડૉક્ટર બની થ્રી સ્ટાર નામથી હોસ્પિટલ ચલાવતો હતો. તેણે નકલી દસ્તાવેજ, ડુપ્લીકેટ સહી-સિક્કા અને એ.એમ.સી.ના નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઉભી કરી હતી. એટલું જ નહી આ હોસ્પિટલમાં આઇ.સી.યુ. અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. આ ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યૂ થયેલા નંબર દુરપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ 'અનસેફ'

મેડીક્લેઇમ પાસ કરાવવાનું કૌભાંડ

આ નકલી હોસ્પિટલમાં અલગ અલગ ડૉક્ટરના નામે ખોટા કેસ બનાવવામાં આવતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલી દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી છેતરપિંડી આચરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે. વીમા કંપનીઓમાં ખોટા ડૉક્યુમેન્ટ આપીને મેડીક્લેઇમ પાસ કરાવવાનું પણ કૌભાંડ આચરવામાં આવતું હતું. 

આરોપી અન્ય ડૉક્ટરોના નામનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરતો હતો

મળતી માહિતી મુજબ, પોલીસે ધમેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરી છે. સમગ્ર મામલે જાણવા મળ્યું હતું કે, વીમા કંપનીના ચાર અલગ-અલગ દર્દીઓની સારવારના ખોટા સર્ટિફિકેટ બનાવાયા હતા. આ મામલે વીમા કંપની દ્વારા તપાસ કરી હતી. જેમાં ધર્મેન્દ્ર અન્ય ડૉક્ટરના નામે નોંધાયેલી હોસ્પિટલ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે અન્ય જગ્યાએ ફરજ બજાવતા ડૉક્ટરોના નામનો ઉપયોગ કરીને આરોપી દર્દીઓની સારવાર કરતો હતો. જેમાં વીમા કંપનીના ચાર જેટલાં દર્દીઓ પાસેથી 2.10 લાખ રૂપિયા સારવારના પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: કચ્છમાં બૉગસ મહિલા ડૉક્ટર ઝડપાઈ, ત્રણ વર્ષથી ગાયનેક હોસ્પિટલ ચલાવતી હોવા છતાં તંત્ર અજાણ

આ બોગસ ડૉક્ટર દ્વારા છેલ્લા એક વર્ષથી કોઈપણ પ્રકારની ડિગ્રી કે નોંધણી કરાવ્યા વગર હોસ્પિટલ ચલાવામાં આવતી હતી. જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અગાઉ વર્ષ 2022માં પણ આરોપીએ નવરંગપુરામાં બોગસ હોસ્પિટલ શરૂ કરી હોવાને લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બોગસ ડૉક્ટરની સારવારથી કોઈને નુકસાન અથવા મોત નીપજ્યું છે કે નહીં તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.


Tags :