અમદાવાદ: કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ, નકલી જજ કરતો હતો બોગસ હુકમ
Fake Court Was Caught In Ahmedabad : ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ, બોગસ તબિબિ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાં નકલી કોર્ટ ઝડપાઈ છે, ત્યારે કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો. જેના આધારે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર, સીપીયુ સહિતના ઉપકર્ણો જપ્ત કરવા આદેશ કર્યો.
કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ
આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ પણ કરી નાંખ્યો. આમ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયો, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો.
નકલી લવાદી બનીને વાંધાવાળી જમીનો ઓર્ડર કર્યો
આ કેસમાં સિટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નકલી લવાદી બનીને વાંધાવાળી જમીનોના ઓર્ડર કર્યા હતા, જેની તપાસ કરવામાં આવતા સિટી સિવિલ કોર્ટ સામે જ તેનો ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ રિવરફ્રન્ટના ગાર્ડનોમાં ફરવું બન્યું મોંઘુ, AMCએ ચાર્જમાં કર્યો ધરખમ વધારો
સરકારને ધ્યાને કેવી રીતે આવ્યું કૌભાંડ
પાલડીમાં આવેલ રેવન્યુ સર્વે નં 306ની ટીપી 6ના ફાઇનલ પ્લોટ 32ની સરકારી જમીન હોવા છતા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનએ ઠાકોર બાબુજી છનાજીને ઉભા કર્યા હતા અને આર્બીટેશનમાં તે મિલકત તેમની હોવાનો એવોર્ડ કર્યો હતો. તે એવોર્ડનું પાલન કરાવવા માટે બાબુજી ઠાકોરે દીવાની દરખાસ્ત સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં સામેવાળા પક્ષકાર તરીકે કલેક્ટરને દર્શાવવામાં આવ્યા હતા. જેથી સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠ હાજર રહ્યાં હતાં. તેમણે મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મામલે લવાદની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ લવાદની નિમણૂંક બન્ને પક્ષની સમંતીથી નિમવી પડે. આ કેસમાં સરકારે કોઈ જ સમંતિ આપી ન હતી. ઉપરાંત સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી. જેથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો અને પછી આખુંય કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયેલો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અગાઉ પણ આ આરોપી વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420, 467, 468, 471, 177, 452, 342, 144 સહિતના ગુનો દાખલ કરાયો હતો.
11 દિવાની દરખાસ્તમાં ફરિયાદ થવાની શક્યતા
નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને 11થી વધુ મિલકતો આ રીતે ખોટા આદેશ કરી આપી દીધી છે. આ તમામ 11 મિલકતોનું એવોર્ડ કરાવવા કોર્ટમાં દિવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેથી આ તમામ આદેશ બોગસ હોવાનું સામે આવ્યું છે. જેમ પાલડીની મિલકત મામલે કોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો, તેમ આ તમામ 11 કરોડોની મિલકતમાં ફરિયાદ નોંધવા આદેશ થવાની શક્યતા છે.