આખી નકલી કોર્ટ બનાવીને બેઠેલા 'નકલી જજ'ને અસલી જજ સામે રજૂ કરાયા, તો આરોપીએ પોલીસ સામે જ કરી દીધી ફરિયાદ
Fake Court Was Caught And Judge : ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલબુથ, નકલી સ્કૂલો, નકલી હુકમો કરી આશરે 100 એકરથી વધુ જમીનોમાં હુકમો કરી નાખ્યા હોવાના અધિકારીઓના વિવાદો હજુ શમ્યા નથી ત્યાં તો, સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આર્બીટ્રેશનની નકલી કચેરી અને બોગસ જજ બની હુકમો કરવાના ગુજરાતના ન્યાયતંત્રને હચમચાવી નાંખે તેવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોરીસ સેમ્યુઅલ કિશ્ચિયન નામના કહેવાતા વકીલે બોગસ આર્બીટ્રેશન ઊભું કરી પોતે જ આર્બીટ્રેશન જજ બની, જાતે જ સ્ટાફ ઊભા કરી, જાતે જ વકીલો રોકાવી અને પોતાની રીતે જ બોગસ હુકમો કરી નાખ્યા હોવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ગુજરાતના ન્યાયતંત્રમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. સિવિલ કોર્ટે બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. જેને પગલે કારંજ પોલીસે આ સમગ્ર મામલે મોરીસ ક્રિશ્ચિયન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ બોગસ કોર્ટ બનાવીને ગોરખધંધા કરનારા નકલી મેજિસ્ટ્રેટને કોર્ટમાં રજૂ કરાતાં તેણે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
નકલી મેજિસ્ટ્રેટે પોલીસે સામે કરી ફરિયાદ
બોગસ કોર્ટ બનાવીને ગોરખધંધા કરતાં નકલી મેજિસ્ટ્રેટ મોરીસે એક લેખિત ફરિયાદ કરી છે. જ્યારે અસલી મેજિસ્ટ્રેટે નકલી મેજિસ્ટ્રેટને પોલીસથી કોઈ ફરિયાદ છે તેમ પૂછ્યું ત્યારે નકલી મેજિસ્ટ્રેટ મોરીસે 'હા' કહીને ગુનો કબૂલવા માટે પીઆઇએ જાંઘના ભાગે માર માર્યો હોવાની વાત કરી હતી અને પોલીસ સામે ફરિયાદ કરવાની માગ કરી હતી. નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ છે કે, ગઈકાલે રાતે 8 વાગ્યે ધરપકડ કરાતાં અમને પોલીસની બે ગાડીઓમાં બેસાડી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા. કારંજ પોલીસ સ્ટાફ સાથે ગાંધીનગર સેક્ટર 24, જીગર અમી કોમ્પલેક્સ કોલવડા રોડ ખાતે તપાસ બાબતે મને PI ચૌધરી જે તપાસ અધિકારી છે તેમણે મને લાફો મારી તથા મને આ ગુનો કબૂલ કરવા માટે બળજબરી કરી હતી. તથા તેમાં મારા નંબરના ચશ્માં પણ તૂટી ગયા. ત્યાર બાદ કારંજ પોલીસ મથકના PIએ પાંસળીના ભાગે લાતો મારી, જાંઘ ઉપર પટ્ટા વડે મારી ગુનો કબૂલ કરવા કહ્યું હતું. સાથેના સ્ટાફમાં ચાર પોલીસવાળાને જોઈ ઓળખી કાઢ્યા, તેમણે આ બાબતે ગુનો કબૂલ કરવા દબાણ કર્યું હતું.
અમદાવાદના પાલડીમાં જમીન માલિકીના વિવાદમાં બોગસ હુકમ અનુસંધાનમાં કોર્ટ સમક્ષ આવેલી દરખાસ્તની સુનાવણીમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવતા આખરે સિવિલ કોર્ટના જજ જે. એલ. ચોવટીયાએ બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. જેને પગલે કારંજ પોલીસે આ સમગ્ર મામલે મોરીસ ક્રિશ્ચિયન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટે હુકમની નકલ મુખ્ય સચિવ, મહેસૂલ ગૃહવિભાગ અને અમદાવાદ કલેકટરને મોકલી આપવા હુકમ કર્યો હતો. કોર્ટે અરજદાર દરખાસ્તકર્તા બાબુજી છનાજી ઠાકોરને આ કૌભાંડમાં સામેલ હોઈ રૂ.50 હજાર દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ: કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ, નકલી જજ કરતો હતો બોગસ હુકમ
બાબુજી છનાજી ઠાકોર નામના વ્યક્તિએ પાલડી પાસે આવેલી સરકાર જમીનમાં મોરીસ ક્રિશ્ચિયને આર્બીટ્રેટર બની કરેલા હુકમ અનુસંધાનમાં કોર્ટમાં કરેલી દરખાસ્તની સુનાવણીમાં સરકારી વકીલ વિજય શેઠ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતી દલીલોમાં જણાવ્યું કે, આ કેસમાં સામાવાળા સરકાર છે અને અરજદાર તેમ જ સામાવાળા વચ્ચે કોઈપણ પ્રકારનો એગ્રીમેન્ટ કે કરાર થયેલ નથી. એટલું જ નહી, અરજદાર દ્વારા ક્યારેય આર્બીટ્રેશન એક્ટની કલમ-7 મુજબ, આર્બીટ્રેટરની નિમણૂંક કરવાની કાર્યવાહી કરાઈ નથી. અરજદાર અને સરકાર વચ્ચે કોઈ દાવો થયો હતો અને સીપીસીની કલમ-89 મુજબ પણ કોર્ટે આર્બીટ્રેટર સમક્ષ કેસ મોકલ્યો હોય તેવું પણ બન્યું નથી. કોઈ એક પક્ષકાર જાતે આર્બીટ્રેટર નક્કી ના કરી શકે.
હાલના કેસમાં જાતે બની બેઠેલા આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અરજદારને છેતરીને અથવા તો તેની સાથે મળીને રજૂ કરાવી છે અને ( પોતે જાણે રીતે હોય એ અરજી તૈયાર કરી પોતાની સમક્ષ આબટ્રેટર તરીકે કાયદાનુસારની કાર્યવાહી વિના મોટી સરકારી સ્થાવર મિલ્કત-જમીનમાં અરજદારનો કાયદેસર હક્ક હોય અને તે માલિક હોય તેમ ઠરાવી દીધુ અને આ પ્રકારે ગંભીર પ્રકારનું ચીટીંગ અને ફ્રોડ આચર્યું છે. એટલું જ નહી, ઓર્ડર કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન પોતાને જ તમામ સત્તાઓ હોય તે રીતે જ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ઉભું કરી પોત જ ચુકાદો આપેલ અને કોર્ટમાં પણ પોતે જ અરજદારને વકીલ રોકી આપે છે અને અરજદાર વતી ડોક્યુમેન્ટ્સ પણ પોતે જ રજૂ કરી રજૂઆત શકે છે.
સરકારે બહુ ગંભીર બાબતે કોર્ટનું ધ્યાન દોર્યું કે, મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન રાજાની જેમ પોતે બધી કાર્યવાહી કરી અનેક લોકોને પોતે જાણે જજ અને કોર્ટ ચલાવતા હોય તેવી રીતે વિશ્વાસમાં લઈને છેતર્યા છે. મોરીસ ક્રિશ્ચિયન સરકારની જમીનો પચાવી પાડવા માટે આવા ખોટા જ્યુડીશીયલ સ્વરૂપ આપે છે અને જાણે કોર્ટોનો જ્યુડીશીયલ હુકમ હોય તે પ્રકારે સરકારમાં અને કલેક્ટર સહિતના સત્તાવાળાઓમાં રજૂ કરે છે.
હાઈકોર્ટ જજ જેવું ડાયસ અને કોર્ટ ઉભી કરી લોકોને આંજવાનો પ્રયાસ કરતો
નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આખીય નકલી કોર્ટ ઉભી કરી હતી. જયાં તેણે હાઇકોર્ટના જસ્ટિસ પાસે હોય તેવું ડાયસ બનાવ્યું હતું. ઉપરાંત એક ચોપદાર પણ રાખ્યો હતો તે જ્યાં જાય ત્યાં આગળ ચોષદાર રહેતો હતો અને તે ડાયસ પર બેસીને જજ હોય તેમ જ બોગસ ઓર્ડરો કરતો હતો. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં આવેલ આબીટ્રેશનમાં પોતે જજ તરીકે કાર્યરત હોવાનો ઉલ્લેખ કરતો હતો અને ભોગ બનેલાને ગુજરાત હાઈકોર્ટના આબીટ્રેશન બતાવવા માટે લઈ જતો હતો. જાતે જ કોર્ટ બનાવી, જાતે જ જજ બની જઈ, જાતે જ સ્ટાફ ઉભો કરી, પોતાને ત્યાં જાતે જ કેસ દાખલ કરાવો અને જાતે જ ચુકાદો આપી ખાનગી વ્યકિતઓને કરોડો-અબજો રૂપિયાની જમીનોમાં મોલિક બનાવી દેતો હતો. દરખાસ્તકર્તાઓને વકીલ પણ મોરીસ જ રોકી આપતો. આ કેસમાં પણ દરખાસ્તકર્તા વતી તેણે કોર્ટ સમક્ષ દલીલો કરી કોર્ટને ગેરમાર્ગે દોરી હતી.
મોરીસ ક્રિશ્ચિયને આર્બીટ્રેશન ચાર્જ તરીકે રૂ.30 લાખ વસૂલ્યા
સરકાર પક્ષે અદાલતને જણાવ્યું કે, મોરીસ ક્રિશ્ચિયને આર્બીટ્રેશન ચાર્જ રૂ.30 લાખ આકારેલ જમીનની કિંમત રૂ.200 કરોડ આકારેલ છે.
મોરીસ પોતે સર્વ સત્તાધીશ રાજા હોય તે રીતે વર્ત્યા: કોર્ટ
કોર્ટે નોંધ્યું કે, મોરીસ ક્રિશ્ચિયન પોતે જાણે સર્વે સત્તાધીશ રાજ હોય તે રીતે કાયદાની બધી જોગવાઇઓ બાજુ પર રાખીને સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપવા એવોર્ડમાં ચારથી છ વાક્યનો હુકમ કરી ખાનગી વ્યક્તિને કરોડો રૂપિયાની મલિકતના માલિક બનાવી દોધી છે.
આ પણ વાંચો : અમદાવાદ શહેરના આ રોડ પર બનશે 10 નવા બ્રિજ, એક હજાર કરોડથી વધુનો કરાશે ખર્ચ
અગાઉ હાઇકોર્ટે પણ ચેતવણી
આપી હતી, છતાં કાયદાનો ડર નહીં અગાઉ મોરીસ સેમ્યુઅલ કિરિયન વિરુધ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના પ્રોસીડીંગ્સ થયા હતા, જેમાં તેણે હાઈકોર્ટની માફી પણ માંગી હતી અને હાઈકોર્ટે મોરીસ ક્રિશ્ચિયનને આવી પ્રવૃત્તિ નહી કરવાની ચેતવણી આપી હતી. એટલુ નહી, તેની વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ પણ દાખલ થઇ હતી, છતાં મોરીસ કિશ્ચિયનને કાયદાનો ડર નથી.
કોર્ટે ગંભીર અવલોકન કર્યું કે, મોરીસ ક્રિશ્ચિયનના કોડનો હાલનો આ એક માત્ર કેસ નથી. આ કોર્ટ સમક્ષ હાલના કેસ સાથે બીજા કેસો છે. તમામ કેસોની સરકારી- અમ્યુકો કે અન્યની જમીન લગભગ 100 એકરથી પણ વધુ અને અબજો રૂપિયાની કિંમતની જમીનોના હુકમાં તેણે કરી નાંખ્યા છે. આઘાતજનક વાત તો એ છે, મોરીસના આ બોગસ આર્બીટ્રેશન હુકમોના આધારે કલેકટર સહિતના સત્તાવાળાઓએ રેવન્યુ રેકર્ડમાં પણ એન્ટ્રીઓ કરી દીધી.
ચોંકાવનારી કબૂલાત કરી કે, તેણે છે 500 પ્રકારના કેસો ચલાવ્યા છે
કોર્ટે નોંપ્યું હતું કે, મૌરીસ ક્રિશ્ચિયને ખુદ કોર્ટ સમક્ષની જુબાનીમાં કબૂલાત કરી છે કે, તેણે વર્ષમાં 500 જેટલા આ પ્રકારના કેસો ચલાવીને આર્બીટ્રેશન એવોર્ડ કરીને હુકમ કર્યા છે. જે હુકમોના આધારે જે તે જિલ્લા કલેકટરે પણ અમુક અંશે તેની અમલવારી કરી રેવન્યુ રેકમાં નામ દાખલ કરી દીધા હતા.
કેસો અમદાવાદના અને હુકમ ગાંધીનગર આર્બીટ્રેશનનો
સરકારે બહુ મોટો ઘટસ્ફોટ કર્યો કે, પ્રસ્તુત કેસમાં જમીન અમદાવાદમાં, અરજદાર અમદાવાદના, જિલ્લા કલેકટર કચેરી અમદાવાદમાં એ બધુ ન્યાયિક ક્ષેત્ર અમદાવાદનું અને મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને આર્બીટ્રેશન | ટ્રિબ્યુનલ ગાઁધીનગરમાં ઊભી કરી ગાંધીનગર ખાતે હુકમ કરી નાંખ્યા.
કાયદાથી અસસ્તિત્વમાં ના હોય તેવી કોર્ટ કે જજનો હુકમ રદ ઠરે
કોર્ટે ઠરાવ્યુ કે, કાયદાથી અસ્તિત્વમાં આવેલ ના હોય તેવી કોર્ટ કે, જજ દ્વારા કરવામાં આવેલ હુકમ મૂળથી જ રદબાતલ એટલે કે, જાણે અસ્તિત્વમાં જ નથી તેમ કહેવાય. માટે જયારે કોઈ કાયદાથી કોઈ કાર્ટ કે જજ કે કોઈ ટ્રિબ્યુનલ અસ્તિત્વમાં જ ના હોય અને કોઈ વ્યકિત જાતે જ જજ કે ટ્રિબ્યુનલના પ્રેસીડેન્ટ કે આર્બીટ્રેટર બનીને ચુકાદો આપે તો તેવો ચુકાદો કાયદાની પરિભાષામાં રદબાતલ ગણાય અને તેનું કોઈ જ મૂલ્ય ના રહે. આવા ચુકાદા કે એવોર્ડની અમલવારી પણ ના કરાવી શકાય. આવો હુકમ-એવોર્ડ ફોડ કહેવાય અને તેના માટે સજા થઇ શકે.