પત્નીના નામે ફેક બેંક એકાઉન્ટ ખોલ્યું : પાંચ આરોપી સામે ગુનો
- દૂબઈમાં પત્નીએ કેસ કરતા ભાંડો ફૂટયો
અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર
દૂબઈમાં રહેતી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ પોતાના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈ આચર્યાની ફરિયાદ બુધવારે કરી છે. મહિલાએ પતિ પાસે ભાગમાં લીધેલી મિલકતનો હિસ્સો લેવા દૂબઈમાં કેસ કર્યો હતો. કોર્ટમાં પતિએ પત્ની પાસે બે કરોડ લેવાના બાકી હોવાનો દાવો કરી પત્નીની સહીવાળા બેંકના ચેકો રજૂ કર્યા હતા. જે બેંક એકાઉન્ટ અંગે પત્નીએ તપાસ કરતા ભાંડો ફૂટયો હતો.
વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીઃબેંક સ્ટાફની સંડોવણીની શંકા
દૂબઈના અવકાફ રોલા સ્ટ્રીટમાં રહેતા હિનાબહેન રમેશ જાંગલા (ઉં,૪૬)એ પતિ લલીત ગોવિંદ દુલાની (આકાશ ટાવર, વસ્ત્રાપુર), નિરેન ભુપેન્દ્રભાઈ પટેલ, જયા નિરેન પટેલ, પતિની માતા લતાબહેન અને એસબીઆઈ બેંકના સંડોવાયેલા અધિકારી અને કર્મચારી સામે ઠગાઈની ફરિયાદ વસ્ત્રાપુરમાં કરી છે. જે મુજબ ૨૦૦૭માં ફરિયાદીના લલીત દુલાની સાથે લગ્ન થયા બાદ દંપતી દૂબઈ ખાતે રહેતું હતું. તે પછી દંપતીએ ૨૦૨૦માં છૂટાછેડા લીધા બાદ અલગ અલગ રહેતા હતા. દરમિયાનમાં ફરિયાદીએ અગાઉ પતિ સાથે ભાગમાં લીધેલા એપાર્ટમેન્ટનો હીસ્સો લેવા દૂબઈની કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટમાં પતિએ પત્ની પાસે રૂ.૨.૧૦ કરોડની રકમ લેણી નીકળતી હોવાનો દાવો કરી વસ્ત્રાપુરની એસબીઆઈ બેંકના પત્ની નામના એકાઉન્ટના રૂ.દસ લાખનો એક એવા ૨૧ ચેક રજૂ કર્યા હતા. પત્નીએ આવા કોઈ ચેક પતિને આપ્યા ન હોવાથી આ એકાઉન્ટ અંગે તપાસ કરતાં ઘટસ્ફોટ થયો કે પતિએ ફરિયાદીના નામના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ખોલાવી ઓપરેટ કર્યું હતું. આમ, પોતાની જાણ બહાર બેંક એકાઉન્ટ ખોલાવી આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ઠગાઈ આચર્યાનું ધ્યાને આવતા પત્નીએ ફરિયાદ કરી હતી.