આ પાકની ખારી જમીનમાં ખેતી થઈ શકે, પાણીની જરૂર નહીં, કેન્સર સહિત 17 બીમારી સામે રામબાણ
Gujarat News: ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. જેની નજીકની લાખો એકર જમીનમાં વધારે પડતી ખારાશના કારણે વધારે ખેતી થઈ શકતી નથી. ઉજજડ ગણાતી આ જમીનમાં દેશી જેઠીમધના છોડ ઉગાડવામાં આવે તો આ જમીન ખેડૂતો માટે સોનાની ખાણ સમાન પુરવાર થઈ શકે છે તેવુ એમ.એસ. યુનિવર્સિટી (M.S. University)ની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના સંશોધકોનું કહેવું છે.
એમ.એસ. યુનિ.ના બોટની વિભાગના અધ્યાપકનું સંશોધન
બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.પી એસ નાગરના માર્ગદર્શનમાં મન્નુ દ્વિવેદી (Mannu Dwivedi) નામની વિદ્યાર્થિની છેલ્લા સાત વર્ષથી દેશી જેઠીમધના ગુણકારી તત્ત્વો પર સંશોધન કરી રહી છે. તેમના મતે, ભારતમાં ભારતમાં જેઠીમધ બે પ્રજાતિ જોવા મળે છે. આ પૈકીની એક ગુજરાતમાં જોવા મળે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ટેવરનેરા ક્યુનેફોલિઆ તરીકે ઓળખાય છે. તે વાઈલ્ડ લિકોરિસ અથવા દેશી જેઠીમધ તરીકે પણ જાણીતી છે. સંશોધકોનું કહેવું છે કે, ભારતમાં 1250 હર્બલ અને કોસ્મેટિક ફોર્મ્યુલામાં જેઠીમધનો ઉપયોગ થાય છે પણ આ જેઠીમધ ભારતની કંપનીઓ પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન જેવા દેશોમાંથી મંગાવે છે. આ માટે કરોડો રૂપિયાનુ વિદેશી હુંડિયામણ વપરાય છે.
જેઠી મધમાં 17 પ્રકારના રોગો સામે લડી શકે તેવા તત્ત્વો
જો ભારતમાં જ દેશી જેઠીમધ ઉગાડીને તેનો ઉપયોગ કરવામાં આવે તો હુંડિયામણ પણ બચી શકે છે અને ખેડૂતોને સારામાં સારી કમાણી થઈ શકે છે. ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળના નેશનલ મેડિસિનલ પ્લાન્ટસ બોર્ડના ધ્યાનમાં પણ આ વાત લાવવામાં આવી હતી. આ કારણસર બોર્ડે દેશી જેઠીમધના છોડનું કેમિકલ એનાલિસિસ કરવાની જવાબદારી બોટની વિભાગને સોંપી હતી. આ એનાસિલિસનો એક મોનોગ્રાફ બનાવીને અમે આયુષ મંત્રાલયને મોકલી આપ્યો છે. દેશી જેઠી મધમાં કેન્સર, ડાયાબિટિસ જેવા 17 પ્રકારના રોગો સામે લડી શકે તેવા તત્ત્વો હોવાનું અમને જાણવા મળ્યું છે. ગુજરાતનો આ પહેલો વાઈલ્ડ પ્લાન્ટ છે, જેનું કેમિકલ એનાલિસિસ નેશનલ મેડિસિનલ પ્લાન્ટસ બોર્ડે કરાવ્યું હોય. આ પાછળનો ઈરાદો આખા દેશમાં દેશી જેઠીમધની ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.
કયા પ્રકારના તત્ત્વો શેના માટે ઉપયોગી
આરચેન્જેલિસિનઃ દાંતના દુખાવા માટે
સ્ટેરલડિહાઈડ, લ્યુપીનોન, બેટુલિનિક એસિડઃ એચઆઈવીની બીમારી માટે
વલ્ગેરિન અને મોમોરડિસિનિઃ ડાયાબિટિસ માટે
ચિકુસેટસએપ્રોનિનઃ સ્થૂળતા ઓછી કરવા
નોબિલિન એન્ડ જિન્જરડાઓનઃ એન્ટી ઓક્સિડન્ટ
થીઓનેલાસ્ટેરોલ, ટેટ્રાડિસાઈલ ફોસ્ફોનેટ, નેબ્રોસ્ટેરોઈડ સહિતના આઠ તત્ત્વોઃ કેન્સરની બીમારી માટે
લ્યુસીઓસાઈડઃ કાર્ડિઓવાસ્ક્યુલર ડિસઓર્ડર
લ્યુપીનોન અને નાઈજિરોસઃ ઈમ્યુનિટી માટે
1250 પ્રકારના હર્બલ અને કોસ્મેટિક ફોર્મ્યુલેશનમાં પણ ઉપયોગ
ભારતમાં અત્યારે મુખ્યત્વે દેશી જેઠીમધની ખેતી પંજાબ અને હરિયાણાની ફળદ્રુપ જમીનમાં થાય છે. જો કે તેની ગુણવત્તા અન્ય દેશોથી મંગાવાતા જેઠીમધ જેવી નથી અને ભારતના હર્બલ તેમજ કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીની માંગને પૂરી કરવા માટે પૂરતી નથી કારણ કે લગભગ 1250 હર્બલ અને કોસ્મેટિક ફોર્મ્યુલેશન માટે જેઠીમધની જરૂર પડે છે. બીજી તરફ ગુજરાતમાં જોવા મળતા દેશી જેઠીમધના પ્લાન્ટસમાં વિદેશી જેઠીમધ જેટલા જ ગુણકારી તત્ત્વો કેમિકલ એનાલિસિસમાં સામે આવ્યા છે. અમુક તત્ત્વો તો વિદેશના પ્લાન્ટ કરતા પણ વધારે માત્રામાં છે.
ગમે તેટલી ખારી જમીનમાં ખેતી થઈ શકે, પાણીની જરૂર પડતી નથી
સંશોધકોના મતે, દેશી જેઠીમધના પ્લાન્ટસને વધારાના પાણીની પણ જરૂર નથી પડતી. જમીનમાં ક્ષારની માત્રા વધારે હોય તો પણ તે સરળતાથી ઉગે છે. આ કારણસર તેની ખેતી પણ સસ્તી પડી શકે તેમ છે. એક જ વર્ષમાં તે ઉપયોગમાં લઈ શકાય છે. તેની અંદર એટલા જ ગુણકારી તત્ત્વો છે જેટલા અન્ય દેશના જેઠીમધના પ્લાન્ટસમાં છે. આમ ગુજરાતની જે જમીન ખારોપાટ ગણાય છે તે આ પ્લાન્ટની ખેતીથી કમાણી કરાવી શકે છે.
2018થી ખેતીનો સફળ પ્રયોગ
બોટની વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચના ડાયરેકટોરેટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટસ રિસર્ચ સાથે મળીને આણંદ નજીક બોરિયાવીમાં 2018થી એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેની સફળતા જોઈને જ નેશનલ મેડિસિનલ પ્લાન્ટસ બોર્ડે સમગ્ર ભારતમાં તેની ખેતીને પ્રોત્સાહન આપવાનો વિચાર કરીને બોટની વિભાગ પાસે તેનું કેમિકલ એનાલિસિસ કરાવ્યું છે.