EXCLUSIVE: USAથી ડિપોર્ટ થયેલા પટેલ પરિવારની આપવીતી, કહ્યું- અમુક તો પર્વતો ઓળંગી આવ્યા હતા
Ahmedabad News : અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય પ્રવાસીઓની ત્રીજી ફ્લાઇટ રવિવારે અમૃતસર આવી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે સોમવારે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા નરોડાના ચાર સભ્યોના પરિવારે ગુજરાત સમાચાર ડિજિટલ સાથેના એક્સક્લુઝિવ વાતચીતમાં ફ્રાન્સ થઈને અમેરિકાની સફરની આપવીતી વર્ણવી હતી.
નરોડાના પટેલ પરિવારે વર્ણવી વ્યથા
સોમવારે બપોરે અમૃતસરથી 29 ગુજરાતીઓને ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં અમદાવાદના હાર્દિક દશરથ પટેલ, તેમની પત્ની સ્વાતિ, પુત્ર હેનીલ અને પુત્રી દિશા પણ અમદાવાદ પરત ફર્યા. તેઓ અમદાવાદના નવા નરોડાના તુલસી રેસિડેન્સીના રહેવાસી છે.
ખોરાકમાં માત્ર માંસાહાર અપાતું
આ પટેલ પરિવાર 2 જાન્યુઆરી, 2025 ના રોજ અમેરિકામાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સપના સાથે પોતાનું ઘર છોડીને નીકળ્યો હતો. તેઓ ભારતથી ઉડાન ભરીને ફ્રાન્સ ગયા અને પછી અમેરિકા પહોંચ્યા હતા.
અમેરિકામાં ઘૂસણખોરી કરતાં ઝડપાઇ ગયા બાદ આ પરિવારને USની એજન્સીના અધિકારીઓએ કેમ્પમાં રાખ્યા હતા. સ્વાતિ પટેલે જણાવ્યું કે કેમ્પમાં માત્ર માંસાહાર પીરસવામાં આવતું હતું. આ કેમ્પમાં અન્ય ભારતીય પરિવારોને પણ રાખવામાં આવ્યા હતા જે ડિપોર્ટેશનની રાહ જોઈ રહ્યા હતા. પટેલ પરિવારે જણાવ્યું હતું કે અન્ય પરિવારો તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કેમ્પમાં રહેલા અન્ય ભારતીય પરિવારો વિશે જણાવતા સ્વાતિ પટેલે કહ્યું, કે 'અમેરિકા સુધી આવવા માટે અનેક પરિવારોએ ચાર દિવસ ચાલવું પડ્યું હતું અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના કેટલાક સાથી પ્રવાસીઓએ ખતરનાક સમુદ્રી માર્ગો દ્વારા પણ અમેરિકા પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.' જોકે અમદાવાદના પટેલ પરિવારે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી હોવાનું જણાવ્યું હતું.
અમેરિકા જવા મહેસાણાના એજન્ટની મદદ લેવાઈ
સ્વાતિએ કહ્યું હતું કે, ' જ્યારે અમે વિમાનમાં ચઢ્યા ત્યારે અમને ખબર નહોતી કે અમને ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકન અધિકારીઓએ અમને હાથકડી પહેરાવી ન હતી, પરંતુ અમને ખ્યાલ નહોતો કે અમને ભારત મોકલવામાં આવી રહ્યા છે.'
ગુજરાત સમાચાર ડિજિટલ સાથેની વાતચીતમાં સ્વાતિ પટેલે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા એજન્ટના નામનો ખુલાસો કર્યો હતો. મહેસાણાનો મંગળદાસ પટેલ નામનો એજન્ટ પૈસા લઈને ગુજરાતીઓને અમેરિકા લઈ જવાના સપનાં બતાવતો હતો. જોકે આ એજન્ટે પટેલ પરિવાર પાસેથી કેટલા રૂપિયા લીધા તે માહિતી સ્વાતિએ જણાવી નથી.
આ પણ વાંચો: અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા
નરોડાના અન્ય એક પરિવારને અમેરિકાએ ડિપોર્ટ કર્યા
અમદાવાદના નરોડાના અન્ય એક પરિવારને અમેરિકાથી પરત લાવવામાં આવ્યો હતો. જેમાં તુષાર પટેલ, તેમની પત્ની ચેતના અને તેમનો પુત્ર નીતનો સમાવેશ થાય છે. તેઓ નવા નરોડાના નીલકંઠ વિલાના રહેવાસી છે અને તેઓ પણ આજે સોમવારે બપોરે અમૃતસરથી ફ્લાઇટમાં આવ્યા હતા.
તુષાર અને તેમનો પરિવાર ડિસેમ્બરમાં અમેરિકા પહોંચ્યા હોવાનું તેમના મિત્રએ જણાવ્યું હતું. તુષારનો પરિવાર મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર નહોતો. જો કે, પટેલના એક મિત્રએ નામ ન આપવાની શરતે ગુજરાત સમાચાર ડિજિટલને જણાવ્યું હતું કે, 'તુષાર બે મહિના પહેલા અમેરિકા નીકળ્યો હતો, જેની જાણ તેની લકવાગ્રસ્ત માતા સહિત કોઈને પણ નહોતી. પરિવાર અને મિત્રોને કહેવામાં આવ્યું હતું કે તુષાર, તેની પત્ની અને પુત્ર દુબઈના પ્રવાસ પર જઈ રહ્યા છે. જોકે, તેઓએ એક એજન્ટનો સંપર્ક કર્યો હતો અને યુએસમાં પ્રવેશવા માટે રૂ.25 લાખથી વધુ ચૂકવ્યા હતા. છેલ્લા દોઢ મહિનાથી દેશનિકાલ કરાયેલા વ્યક્તિ અને તેના પરિવાર વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો.' નીલકંઠ વિલા ખાતેના પોતાના ઘરે પાછા ફર્યા પછી, તુષાર પાછળથી કારમાં તેના નિવાસસ્થાનમાંથી બહાર નીકળતો જોવા મળ્યો.