પ્રદૂષિત પાણીની સમસ્યા વકરતા અમદાવાદમાં ૧૧ દિવસમાં ઝાડા ઉલટીના ૬૩૫, કોલેરાના ૧૪ કેસ
મ્યુનિ.તંત્ર દ્વારા પુરા પડાતા પાણીના ૫૨ જેટલા સેમ્પલ અનફીટ જાહેર કરાયા
અમદાવાદ, સોમવાર, 13 મે, 2024
અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વકરતા મે મહિનાના આરંભે
૧૧ દિવસમાં જ ઝાડા ઉલટીના ૬૩૫ કેસ તથા કોલેરાના ૧૪ કેસ નોંધાયા છે.મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી પુરા પાડવામા આવતા પાણીના બાવન સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.પૂર્વ અમદાવાદના
સાત વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા છે.
એપ્રિલ મહિના બાદ મે મહિનામાં પણ શહેરના વિવિધ વોર્ડ
વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ સતત વધી રહી છે.પાણીજન્ય એવા ઝાડા ઉલટી ઉપરાંત
રામોલ-હાથીજણ, દાણીલીમડા, લાંભા,ભાઈપુરા, ઈન્દ્રપુરી,વસ્ત્રાલ તેમજ
અમરાઈવાડી વોર્ડમાં કોલેરાના કેસ નોંધાતા મ્યુનિ.તંત્ર દોડતુ થયુ હતુ.ટાઈફોઈડના
૧૮૫ તથા કમળાના ૬૧ કેસ નોંધાયા છે.મે મહિનામાં અત્યારસુધીમાં ૫૬૫૩ જેટલા કલોરીન
ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી ૨૪૪ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ
આવ્યો છે.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટ પાણીના ૧૬૨૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી
બાવન સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના ૨૬ તેમજ મેલેરિયાના ૧૨
કેસ નોંધાયા હતા.૧૧ મે સુધીમાં શહેરમાં સીઝનલ ફલૂના કુલ સાત કેસ નોંધાયા હતા.આ
પૈકી પશ્ચિમ ઝોનમાં ચાર, ઉત્તરઝોનમાં
બે તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એક કેસ નોંધાયો હતો.આ વર્ષે
જાન્યુઆરીથી મે મહિના સુધીમાં સીઝનલ ફલુના ૫૧૩ કેસ નોંધાયા છે.