તારા પિતાએ જબરદસ્તી છૂટાછેડા લીધા કહી પૂર્વ પતિએ પત્નીને માર માર્યો
નરોડામાં ૧૦ મહિના પહેલા લગ્ન થયા ઃ ત્રણ મહિનામાં જ છૂટાછેડા થયા હતા
જતા જતા ધમકી આપી કે હું તને અને તારા પિતાને છોડવાનો નથી
અમદાવાદ,રવિવાર
નરોડામાં લગ્ન બાદ ત્રણ મહિનામાં જ પતિ-પત્નીએ છૂટાછેડા લીધા હતા. તેમ છતા પતિ અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. ગઇકાલે મહિલા શાક માર્કેટ ગઇ હતી ત્યારે પતિ મળ્યો હતો અને પત્નીને જોતા જ ગાળો બોલીને તકરાર કરીને માર માર્યો હતો અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જતા જતા ધમકી આપી કે હું તને અને તારા પિતાને છોડવાનો નથી બન્નેને જાનથી મારી નાંખીશ ઃ પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી
નરોડામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 26 વર્ષની મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પતિ સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાના માર્ચ ૨૦૨૪માં સામાજીક રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. જો કે બન્ને વચ્ચે મનમેળ ન રહેતા ત્રણ મહિનામાં જ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ પણ આરોપી અવાર નવાર તે કેમ છૂટાછેડા લીધા તેમ કહીને હેરાન પરેશાન કરતો હતો.
ગઇકાલે સાંજે મહિલા શાક માર્કેટમાં ગઇ ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને તકરાર કરીને ગાળો બોલીને તારા પિતાએ જબરજસ્તીથી છૂટાછેડા લીધેલા છે. જેથી મહિલાએ શાંત રહેવા કહેતા ઉશ્કેરાઇને માર મારવા લાગ્યો હતો. તે સમયે બુમાબુમ થતા લોકો ભેગા થઇ ગયા હતા આરોપીએ જતા જતા ધમકી આપી હતી કે, હું તને અને તારા પિતાને છોડવાનો નથી બન્નેને જાનથી મારી નાંખીશ.