અમદાવાદ શહેરમાં દર ત્રણ કલાકે એક વ્યક્તિ ગાયબ, એક સપ્તાહમાં કુલ 59 લોકો ગુમ થયાનું જાહેર
ગુમ થયેલા વ્યક્તિઓ પૈકી 63 ટકા મહિલાઓ, 30 વર્ષ સુધીના યુવાનોની સંખ્યા સૌથી વધારે
શહેરના પશ્ચિમ વિસ્તારની સરખામણીએ પૂર્વ વિસ્તારમાંથી લોકો ગાયબ થયા હોવાની ફરિયાદ બમણાથી પણ વધુ
અમદાવાદ, બુધવાર
Ahmedabad News : અમદાવાદ શહેરમાં લોકોની સુરક્ષા અંગે સવાલ થાય તેવી સ્થિતિ જોવા મળે છે. શહેરમાં ગત એક સપ્તાહમાં કુલ 59 લોકો ગાયબ થયા છે. એટલે કે દર 3 કલાકે શહેરમાંથી એક વ્યક્તિ ગુમ થાય છે. આ કોઈ આક્ષેપબાજી નથી, પરંતુ પોલીસ ચોપડે નોંધાયેલા આંકડા છે. મહિલા સુરક્ષા માટે અનેક યોજના, ખાસ ટીમ, ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં ગુમ થયેલ કુલ લોકો પૈકી મહિલાઓની સખ્યાં બે ગણીથી પણ વધુ છે. દેશનું ભવિષ્ય ગણાતા યુવાનોની ગુમ થયાની સંખ્યા 50 ટકાથી વધારે છે.
અમદાવાદમાં ગુમ થયેલા લોકોની કુલ સખ્યાંમાંથી 63 ટકા મહિલાઓ
અમદાવાદ શહેરના 55 પોલીસ મથકમાંથી 27માં 9થી 16 ડિસેમ્બરના એક સપ્તાહના ગાળામાં 59 નાગરિકો ગુમ થયાની નોંધ થઈ છે. જે પૈકી ૩૦ વર્ષ સુધીના ૩૩ વ્યક્તિ, 50 વર્ષ સુધીના 19 અને 7 લોકો 50 વર્ષથી વધુ ઉંમરના હતા. મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં ગુમ થયેલા લોકોની કુલ સખ્યાંમાંથી 63 ટકા મહિલાઓ એટલે કે કુલ 37 મહિલાઓ જ્યારે 22 પુરૂષો પરિવારથી દૂર થઈ ગયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારની સરખામણીએ પૂર્વ વિસ્તારમાંથી લોકો ગાયબ થયા હોવાની ફરિયાદ બમણાથી પણ વધુ છે. આ તો માત્ર પોલીસ ચોપડે નોંધાયેલ આંકડાઓ છે. પરંતુ કેટલીક વખત લોકો અનેક કારણોસર તેઓના સ્વજન ગાયબ થયા હોવાની ફરિયાદ કે અરજી પોલીસમાં કરતા નથી. જેના લીધે હકીકતે નોંધાયેલ આંકડાથી વધારે સંખ્યામાં લોકો ગુમ થયા હોવાનું તજજ્ઞોનું માનવું છે. તેમજ એક સપ્તાહમાં આટલા લોકો ગાયબ થતા હોય ત્યારે આખા વર્ષમાં તો જાણે કેટલા લોકો ગુમ થતા હશે? તે પ્રશ્ન ચર્ચાની એરણે ચડયો છે.
ઘણા કિસ્સામાં લોકો જાતે જ ગાયબ થઈ જાય છે!
કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુમ થવા પાછળ ઘણા કારણો હોય છે. ગુમ થતી દરેક વ્યક્તિ માનવ તસ્કરીનો જ ભોગ બને તેવું નથી. કેટલીક વખત લોકો વ્યાજ ખોરનો ત્રાસ, પારિવારિક ઝઘડા, પ્રેમ પ્રકરણ, ગુનામાં સંડોવણી, નશીલા પદાર્થનું વ્યસન આદી જેવા અનેક પાસાના લીધે પોતે પણ સ્વજનોથી દૂર થવાનો નિર્ણય લે છે.